વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફ્રાન્સ, યુએઇ અને બેહરીનના પ્રવાસે છે. તેઓએ આ પ્રવાસ દરમિયાન બેહરીનની મુલાકાત લીધી હતી, આ દેશની મુલાકાત લેનારા મોદી પહેલા ભારતીય વડા પ્રધાન બન્યા હતા. આ દરમિયાન મોદીને બેહરીને ધ કિંગ હમાદ ઓર્ડર ઓફ ધ રેનેસાથી સન્માનિત કરવામા આવ્યા હતા. મોદીએ અહીં શ્રીનાથજી મંદિરના દર્શન કર્યા અને ભારતીયોને સંબોધ્યા હતા.

આ પહેલા શનિવારે અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મદે વડા પ્રધાન મોદીને ઓર્ડર ઓફ જાહેદથી સન્માનિત કર્યા હતા. મોદીએ ફ્રાન્સ બાદ યુએઇની મુલાકાત લીધી અને અંતિમ દિવસે તેઓ બેહરીન પહોંચ્યા હતા. અહીં તેમણે જણાવ્યું હતું કે બહું જ સન્માનની લાગણી અનુુભવી રહ્યો છું.

હું 130 કરોડ ભારતીયો વતી આ સન્માનને સ્વીકારી રહ્યો છું. અમારો હેતુ ભારતના અર્થતંત્રને 5 ટ્રિલિયન ડોલર સુધી લઇ જવાનો છે. અને આ માટે હું બેહરીનને ભારત સાથે મિત્રતા ભર્યા સંબંધો વધુ મજબુત બનાવવા માટે આમંત્રીત કરૂં છું. મોદીએ બેહરીનના કિંગને ભારત આવવા માટે આમંત્રણ પણ આપ્યું હતું.

બેહરીનના કિંગ ઇસા બિન સલમાન અલ ખલિફાએ પણ મોદીના વખાણ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે બન્ને દેશોના વિકાસ માટે અમે કટીબદ્ધ છીએ, બેહરીનના વિકાસમાં ભારતીયોનુ મોટુ યોગદાન છે.

બેહરીનમાં આવેલા આઇકોનિક ગણાતા શ્રીકૃષ્ણ મંદિરના વિકાસ માટે મોદીએ અનેક પ્રોજેક્ટ લોંચ કર્યા હતા. મોદીએ અહીં મનામામાં આવેલા 200 વર્ષ જુના શ્રીકૃષ્ણ મંદિરના વિકાસ અને 4.2 મિલિયન ડોલરના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટને ખુલ્લા મુક્યા હતા. મોદીએ અહીં ભારતીયોની સાથે વાતચીત કરી હતી.

મોદીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે આ પ્રાંતના સૌથી જુના શ્રીનાથજી મંદિરની મુલાકાત લીધી હતી. આ મંદિર બન્ને દેશોના સંબંધોને વધુ મજબુત બનાવવામાં મદદ કરી રહ્યું છે. અહીં ભારતીયોને સંબોધતા મોદીએ કહ્યું હતું કે ભારતીય વડા પ્રધાનને અહીં આવવામાં વર્ષો લાગી ગયા.

હું અહીં આવનારો ભારતનો પહેલો વડા પ્રધાન બન્યો છું જે બદલ મને ગૌરવ થાય છે. દરમિયાન મોદીએ પાકિસ્તાન પર પ્રહાર કર્યા હતા. બન્ને દેશો બેહરીન અને ભારતે મળીને વિશ્વને આહવાન કર્યુ છે કે આતંકવાદને કોઇ પણ દેશની વિરૂદ્ધ ઉપયોગ થતો અટકાવવા માટે હાથ મિલાવવા જોઇએ.