અર્થશાસ્ત્રનું નૉબલ પુરસ્કાર જીતનારા અર્થશાસ્ત્રી અભિજીત બેનર્જીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પીએમ હાઉસમાં મુલાકાત કરી હતી. આ મુલાકાત પછી પીએમ મોદીએ કહ્યુ કે નૉબેલ પુરસ્કાર વિજેતા અભિજીત બેનર્જી સાથે ખૂબ સારી મુલાકાત રહી. લોકોના સશક્તિકરણ પ્રત્યે તેમની દ્રષ્ટી સ્પષ્ટ જોઈ શકાય છે. અમે અલગ અલગ વિષયો પર લાંબી વાતો કરી હતી. ભારતને તેમની સફળતાએ પર ગર્વ છે.
ભવિષ્યના પ્રયાસો માટે હું તેમને શુભેચ્ઠા પાઠવું છું. અભિજીત સાથે તેમના પત્ની એસ્ટર ડફ્લોને પણ અર્થશાસ્ત્રમાં નૉબેલ પુરસ્કાર મળ્યો છે. અર્થશાસ્ત્રમાં નૉબેલ પુરસ્કાર મળ્યા બાદ પીએમ મોદીએ અભિજીત બેનર્જીને ટ્વિટ કરીને શુભેચ્છા પાઠવી હતી. પીએમ મોદીએ કહ્યુ હતુ કે અભિજીત બેનર્જીએ ગરીબી દૂર કરવાના ક્ષેત્રમાં મહત્વનું કામ કર્યું છે.
અમેરિકન નાગરિક 58 વર્ષીય અભિજીત બેનર્જીએ વર્ષ 1981માં કોલકાત્તા યુનિવર્સિટીની પ્રેસિડેન્સી કૉલેજમાંથી વિજ્ઞાનમાં સ્નાતક કર્યું છે. જે બાદમાં તેમણે 1983માં દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાંથી આર્થશાસ્ત્રમાં એમએ કર્યું છે. બેનર્જીએ 1988માં હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી પીએચડી કર્યું છે.તેમનો પીએચડીનો વિષય ‘સૂચના અર્થશાસ્ત્રમાં નિંબંધ’ હતો. તેમના પિતા દીપક બેનર્જી પ્રેસિડેન્સી કૉલેજમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર હતા.
જ્યારે માતા નિર્મલા બેનર્જી સેન્ટર ફૉર સ્ટડિઝ ઇન સોશિયલ સાયન્સિસ, કોલકાત્તામાં અર્થશાસ્ત્રના પ્રોફેસર હતા. પીએચડી કર્યા બાદ બેનર્જી અનેક જગ્યાએ ફેલો રહ્યા હતા, તેમને અનેક સન્માન પણ મળ્યા છે. તેઓ શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે કામ કરતા રહ્યા છે. તેમણે 1988માં પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાં ભણાવવાનું શરૂ કર્યું હતું. 1992માં હાર્વર્ડ યુનિવર્સિટીમાં પણ તેમણે ભણાવવાનું શરૂ કર્યું હતું. જે બાદમાં તેઓએ 1993માં એમઆઈટીમાં ભણાવવાનું શરૂ કર્યું હતું અને સંશોધન કાર્ય શરૂ કર્યું હતું. હાલ તેઓ એમઆઈટી સાથે જ જોડાયેલા છે.