વડાપ્રધાન મોદી એવું વ્યક્તિત્વે જેના વિશે જાણવાની જીજ્ઞાસા તમામ લોકોમાં રહેલી છે. 2019માં ભારતમાં ઓનલાઈન સર્ચ થનારા વ્યક્તિઓની યાદીમાં પીએમ મોદી સતત બીજા વર્ષે ટોચના સ્થાને રહ્યા છે. યાહૂ ઈન્ડિયાએ ચાલુ વર્ષે સૌથી વધુ સર્ચ થનાર સેલિબ્રિટીની યાદી જાહેર કરી છે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટોપ પર છે.

આ ઉપરાંત ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની તેમજ બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા પણ પીએમ મોદી સાથે આ યાદીમાં ટોપ ટેનમાં સ્થાન ધરાવે છે. બાલાકોટ એરસ્ટ્રાઈકથી ચર્ચામાં આવેલા વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાને સૌપ્રથમ વખત યાહૂ ઈન્ડિયાની ભારતમાં સૌથી વધુ સર્ચ થનારા લોકોની યાદીમાં ટોચના 10 સેલિબ્રિટીમાં સ્થાન મેળવ્યું છે. આ ઉપરાંત ચાલુ વર્ષે જેમનું નિધન થયું તેવા કેન્દ્રીય મંત્રી અરુણ જેટલી પણ ઓનલાઈન પોપ્યુલર સર્ચ થયેલા લોકોની યાદીમાં

યાહૂ ઈન્ડિયાની સૌથી વધુ ઓનલાઈન સર્ચ થયેલા રાજકારણીઓની અન્ય યાદીમાં પણ વડાપ્રધાન મોદી મોખરાના સ્થાને રહ્યા છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી આ યાદીમાં બીજા ક્રમે છે જ્યારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ત્રીજા ક્રમે રહ્યા છે. મમતા બેનરજી 2019ના ભારતના સૌથી શક્તિશાળી મહિલાઓની યાદીમાં ટોચના ક્રમે રહ્યા છે.

બોલિવૂડ અભિનેતા સલમાન ખાન 2019ની યાદીમાં સૌથી વધુ સર્ચ થનાર પુરૂષ સેલિબ્રિટી રહ્યો છે તેમજ અમિતાભ બચ્ચન અને અક્ષય કુમાર અનુક્રમે ટોચના ત્રણ સેલેબ્સ રહ્યા છે. આ ઉપરાંત ચાલુ વર્ષે જેમનું નિધન થયું તેવા અભિનેતા ગીરીશ કર્નાડ પણ ટોચના 10 સેલેબ્સની યાદીમાં રહ્યા છે. સની લિયોની ફરી એક વખત 2019ની સૌથી વધુ સર્ચ થનાર ફીમેલ સેલિબ્રિટી રહી છે. લગભગ એક દાયકાથી સની લિયોની આ યાદીમાં ટોચના ક્રમે રહે છે. પ્રિયંકા ચોપરા અને દીપિકા પાદુકોણ ત્યારપછી અનુક્રમે સૌથી વધુ સર્ચ થનાર ફીમેલ સેલિબ્રિટી રહી છે.

વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં નવમા ક્રમે રહેલા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી 2019ના બિઝનેસ ન્યૂઝમેકરની યાદીમાં ટોપ પર રહ્યા છે ત્યારબાદ બીજા ક્રમે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી છે. નાયકા સ્ટાર્ટઅપની સ્થાપક ફાલ્ગુની નાયર, પેટીએમના વિજય શેખર શર્મા અને ઓયોના રિતેશ અગ્રવાલ પણ આ યાદીમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યા છે.

રમતજગતની હસ્તીઓમાં એમ એસ ધોની 2019ના સૌથી વધુ સર્ચ થનાર સ્પોર્ટ્સ પર્સન રહ્યા છે. રોહિત શર્મા, વિરાટ કોહલી પણ આ યાદીમાં છે. ક્રિકેટ સિવાયના સ્પોર્ટ્સ પર્સનમાં બેડમિન્ટન સ્ટાર પીવી સિંધૂ એકમાત્ર પ્લેયરને આ યાદીમાં સ્થાન મળ્યું છે. પર્સનાલિટી ઓફ ધ યર તરીકે 2019માં ઐતિહાસિક અયોધ્યા કેસનો ચુકાદો આપનાર બેન્ચના પૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ એસ એ બોબડે, જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડ, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ અબ્દુલ નઝીરનો સમાવેશ ટોચના વ્યક્તિત્વમાં થાય છે.

યાહૂ ઈન્ડિયાએ એક દાયકાનો રિવ્યૂ જાહેર કર્યો હતો જેમાં અયોધ્યા કેસનો ચુકાદો સૌથી વધુ સર્ચમાં ટોચનું સ્થાન ધરાવે છે. દરમિયાન જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370ની નાબૂદી, 2011માં ભારતીય ક્રિકેટ ટીમનો વર્લ્ડ કપ વિજય સહિતના અહેવાલો દાયકામાં સૌથી વધુ વખત સર્ચ થયા છે. દેશને હચમચાવી નાંખનારા દિલ્હીનો નિર્ભયા ગેંગરેપ કેસ પણ આ યાદીમાં રહ્યો છે.