New Delhi: Senior Congress leader P Chidambaram addresses the media at Parliament during the ongoing Winter session, in New Delhi, Thursday, Dec. 5, 2019. The former finance minister was released on bail from Tihar jail on Wednesday night. (PTI Photo/Kamal Singh) (PTI12_5_2019_000012B)

ભારતના પૂર્વ નાણાંમંત્રી અને કોંગ્રેસના નેતા પી. ચિદમ્બરમને આઈએનએક્સ મીડિયા કેસમાં જામીન મળ્યા બાદ તેઓ જેલની બહાર આવ્યાં અને ગુરુવારે તેમણે રાજ્યસભામાં ગૃહની કાર્યવાહીમાં ભાગ લીધો હતો. તેમણે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, આજે કોઈ પણ આરોપ વગર લોકોની ધરપકડ કરવામાં આવે છે.

સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા આદેશનું તેઓ સ્વાગત કરે છે. જે કેસ કોર્ટમાં ચાલે છે તે વિશે તેઓ કોઈ નિવેદન નહીં આપે. છેલ્લા 106 દિવસ મારી સાથે જે થયું તેના કારણે હું વધારે મજબૂત થયો છું. મંત્રી તરીકે મારો રેકોર્ડ એકદમ ક્લીન રહ્યો છે.

જે લોકોએ મારી સાથે કામ કર્યું છે તે લોકોને આ વાત ખૂબ સારી રીતે ખબર છે. ચિદમ્બરમે એવું પણ કહ્યું કે, વડાપ્રધાન અર્થવ્યવસ્થા વિશે ચૂપ છે. તેમણે તેમના મંત્રીઓને ગેરમાર્ગે દોરવા વાળા નિવેદનો કરવા માટે છોડી દીધા છે. સરકાર અર્થવ્યવસ્થાને જાળવવા માટે સંપૂર્ણ રીતે નિષ્ફળ રહી છે. ચિદમ્બરમે કહ્યું, હું કાલ રાતે 8 વાગ્યાથી ખુલ્લી હવામાં શ્વાસ લઈ રહ્યો છું.

મારી પહેલી પ્રાર્થના છે કે, 75 લાખ કાશ્મીરીઓને પણ આ મોકો આપવામાં આવે. તેમને આઝાદીના મૂળ અધિકારથી વંચીત કરીને 4 ઓગસ્ટ 2019થી કેદ કરીને રાખવામાં આવ્યા છે. મને કોઈ પણ કારણ વગર નજરબંધ કાશ્મીરી નેતાઓની ચિંતા થઈ રહી છે. આઝાદી આપણો અધિકાર છે અને તેની રક્ષા માટે હંમેશા તૈયાર રહેવું જોઈએ.