પંજાબ નેશનલ બેન્ક (PNB) કૌભાંડ કેસમાં આરોપી અને ભાગેડુ નીરવ મોદીના જામીન લંડનની રોયલ કોર્ટ ઓફ જસ્ટિસે ફગાવી દીધા છે. નીરવ મોદી પુરાવાને નષ્ટ કરે તેવું જોખમ હોવાથી જજે મોદીના જામીન નામંજૂર કરી દીધા હતા. સતત ચોથી વખત નીરવ મોદીના જામીન ફગાવવામાં આવ્યા છે.

કોર્ટમાં આજરોજ થયેલી સુનાવણીમાં નીરવ મોદીના વકીલને પણ જજ આડેહાથ લીધા હતા. જજે જણાવ્યું કે તેઓ એ વાત માની શકતા નથી કે જામીન મળતા મોદી પુરાવાને નષ્ટ નહીં કરે. સુનાવણી દરમિયાન જજે આકરી ટિપ્પણી કરતા જણાવ્યું કે ભવિષ્યમાં શું થશે, કોણ જાણે છે.

નીરવ મોદી વિરુદ્ધ સંખ્યાબંધ દેશોમાં છેતરપિંડીના કેસ દાખલ છે, જેથી જામીન આપવા યોગ્ય નથી તેમ જજે જણાવ્યું હતું. આ અગાઉ લંડનની જ કોર્ટે નીરવ મોદીને 26 જૂન સુધી કસ્ટડીમાં રાખવા આદેશ કર્યો હતો. 48 વર્ષીય મોદીએ ભારતમાં 13,000 કરોડનું પીએનબી કૌભાંડ આચર્યું હતું. 19 માર્ચના હોલબોર્નથી નીરવ મોદીની ધરપકડ કરી લેવામાં આવી હતી. ત્યારબાદ પ્રત્યર્પણ કાર્યવાહી હેઠળ તેની સ્કોટલેન્ડ યાર્ડ પોલીસે ધરપકડ કરી હતી.