આ અઠવાડિયે પ્રતિષ્ઠીત ‘જીજી ટુ પાવર લિસ્ટ’ની વાર્ષિક આવૃત્તિનું અનાવરણ કરવામાં આવી રહ્યુ છે ત્યારે ચાન્સેલર સાજિદ જાવિદને સતત બીજા વર્ષે બ્રિટનના સૌથી પ્રભાવશાળી એશિયન જાહેર કરાયા છે. હોમ ઑફિસમાં જાવિદની ઉત્તરાધિકારી પ્રીતિ પટેલ બ્રિટનના બીજા નંબરના સૌથી પ્રભાવશાળી એશિયન અને દેશની સૌથી શક્તિશાળી એશિયન મહિલા જાહેર થઈ છે.
સંસદના સસ્પેન્શનને પડકારવા કાનૂની કાર્યવાહી શરૂ કરીને સુપ્રીમ કોર્ટમાં વિજયી ઈન્વેસ્ટમેન્ટ ફંડ મેનેજર જિના મિલર બ્રિટનના ત્રીજા નંબરના સૌથી પ્રભાવશાળી એશિયન જાહેર થયા છે. તેઓ દેશના ચાર મહત્વના પદાધિકારીઓ પૈકીના મહત્વના બે એશિયન કેબિનેટ મિનિસ્ટર્સ પછીના ક્રમે છે. લંડનના મેયર સાદિક ખાન ચોથા અને નિષ્ણાત કામગીરી માટે સહાયક પોલીસ કમિશનર નીલ બાસુ પાંચમા ક્રમે છે.
એશિયન મીડિયા ગ્રુપ દ્વારા પ્રકાશિત, જીજી ટુ પાવર લિસ્ટ યુકેના 101 સૌથી વધુ પ્રભાવશાળી દક્ષિણ એશિયનોનું સંકલન છે જેનું અનાવરણ ગુરૂવારે તા 10 ઑક્ટોબરના રોજ સેન્ટ્રલ લંડનમાં વાર્ષિક જીજી ટુ લીડરશીપ એવોર્ડ્સમાં કરાયું હતું.
કૉર્ટ ઑફ અપીલના જજ સર રવીન્દર સિંઘ (ક્રમ 6), ટ્રેઝરીના ચીફ સેક્રેટરી ઋષિ સુનાક (ક્રમ 7), અભિનેતા રીઝ અહેમદ (ક્રમ 8), રોયલ સોસાયટીના પ્રમુખ સર વેંકી રામકૃષ્ણન (ક્રમ 9) અને હિન્દુજા પરિવાર (ક્રમ 10)નો સમાવેશ ટોચના 10 સૌથી શક્તિશાળી બ્રિટીશ એશિયન લોકોમાં કરાયો છે.
સેક્રટરી ઑફ ધ સ્ટેટ ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ આલોક શર્મા (13) અને ફોરેન એન્ડ કોમનવેલ્થ ઑફિસ મિનીસ્ટર લોર્ડ તારીક અહમદ (17) ટોચના 20 વરિષ્ઠ રાજકારણીઓમાં સામેલ છે.
આ વર્ષના લિસ્ટમાં વેપાર – ઉદ્યોગથી લઈને ચળવળ, મીડિયા અને રમત-ગમતના વિવિધ ક્ષેત્રના એશિયન લોકોનો સમાવેશ કરાયો છે. ટોચના 20 અગ્રણીઓની યાદીમાં નવ મહિલાઓનો સમાવેશ થાય છે, સમગ્ર દેશના 101 પ્રભાવશાળી લોકોની યાદીમાં મહિલાઓની સંખ્યા 28 છે. આ યાદીમાં લગભગ ત્રીજા ભાગના લોકો નવા છે. આ વર્ષે 29 નવા લોકોનો સમાવેશ કરાયો છે, તેમાંથી મુનિરા મિર્ઝા ડાઉનિંગ સ્ટ્રીટના હેડ ઑફ પોલીસી; મોહિત બકાયા બીબીસી રેડિયો 4ના કંટ્રોલર; અભિનેત્રી નાઓમી સ્કોટ અને યુવા કાર્યકર અમિકા જ્યોર્જ છે જેઓ ગરીબી સામેના અભિયાન માટે જાણીતા છે.
ગરવી ગુજરાતના એક્ઝિક્યુટીવ એડિટર શૈલેષ સોલંકીએ જણાવ્યું હતું કે, આ GG2 પાવર લિસ્ટ બ્રિટિશ સમાજને સમૃદ્ધ બનાવતી એશિયન પ્રતિભાઓની સંપન્નતા દર્શાવે છે.
સાજિદ જાવિદથી લઈને નોટી બોય, જજ અનુજા ધિર થી લઈને અમિકા જ્યોર્જ, આ લિસ્ટમાં સ્થાન પામ્યા હોય તેવા નામો એ પણ દર્શાવે છે કે, યુકેમાં સમાજના તમામ વર્ગોના લોકોને અનેકવિધ તકો મળી રહે છે.
વર્ષો પૂર્વેના ઈમિગ્રન્ટ્સથી લઈને નવા આવેલા લોકોએ પોતાનો સિક્કો જમાવ્યો છે, ડીએગોના ઈવાન મેનેઝેસ કે પ્રીટી લિટલ થિંગ્સના ઉમર કામાણી એના ઉદાહરણ છે. આદર્શ પ્રતિભાઓ ભાવિ પેઢીને માટે પ્રેરણા બની રહે છે અને આપણે જાણીએ છીએ કે, એથનિક સમુદાયોમાં બહુ ઓછા નાયકો હોય છે પણ, અમારા આ લિસ્ટમાં સમાવાયા છે એ તમામ 101 લોકોએ બ્રિટિશ સમાજજીવનના દરેક ક્ષેત્રમાં પોતાનો પ્રભાવ પાથર્યો છે – રાજકારણથી લઈને રીસર્ચ, બિઝનેસથી લઈને કલા ક્ષેત્રે એક્ટિવિઝમનો એમાં સમાવેશ થાય છે.
જીજી ટુ પાવર લિસ્ટમાં રાજકારણીઓ, ઉદ્યોગપતિઓ, બેંકર્સ અને ફાઇનાન્સિયરો પ્રભુત્વ ધરાવે છે તો સંગીતકારો, ડોકટરો, ઝુંબેશકારો, પ્રભાવકો અને મીડિયા વ્યક્તિત્વનો સમાવેશ પણ થાય છે.
કોર્પોરેટ જગતની નવી એન્ટ્રીમાં સલમાન અમિન (28), લક્ષ્મણ નરસિમ્હન (47) અને નીતિન પરાંજપે (50) છે.
એસસી જ્હોન્સનના ભૂતપૂર્વ સીઇઓ અને પેપ્સિકોના યુકેના સીઈઓ અમિનની ગ્રોસરી મલ્ટીનેશનલ પેલેડિસના વૈશ્વિક સીઇઓ તરીકે નિમણૂક કરાઈ છે.
આઇટીવીના બોર્ડ પર બેસતા અમિને કહ્યું હતુ કે “મેં નિયમો નવેસરથી લખી, વિવિધતા લાવવા અને ગ્રાહક ક્રાંતિનો ભાગ બનવાની તકો શોધીને કારકિર્દી બનાવી છે. હું માનુ છું કે નેતાઓ વિશ્વાસ જગાવે છે.’’
નરસિમ્હન રાકેશ કપૂરની જગ્યાએ કન્ઝ્યુમર જાયન્ટ રેકિટ બેન્કાઈઝરના સ્થાને આવ્યા છે. કંપનીની ડેટોલ, ન્યુરોફેન અને ડ્યુરેક્સ બ્રાન્ડ્ઝ દરેક ઘરમાં જાણીતી છે. પરાંજપે યુનિલિવરના ચીફ ઓપરેટિંગ ઓફિસર છે, જે વિશ્વની સૌથી મોટી £51 બિલિયન ટર્નઓવર ધરાવતી કન્ઝ્યુમર ગુડ્ઝ કંપનીઓમાંની એક છે. તેમનો મંત્ર છે કે “તમે જીવનમાં યોગ્ય કાર્ય કરતા હો, તો યોગ્ય પરિણામો આવે જ “.
બીજી નવી એન્ટ્રી કામાની પરિવારની છે, જેનું નેતૃત્વ પિતા મહેમૂદ અને તેમના પુત્રો ઉમર અને આદમ કરે છે. લોકપ્રિય ફેશન કંપનીઓ બૂહૂ અને પ્રીટિ લિટલ થિંગ્સનું વાર્ષિક વેચાણમાં £1 બિલિયનનું રહ્યું છે.
બેંકિંગમાં યુરોપિયન બેંકના રીકન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપમેન્ટના પ્રમુખ સર સુમા ચક્રવર્તી (26) અને બાર્કલેઝમાં નવા રચાયેલા કન્ઝ્યુમર બેંકિંગ અને પેમેન્ટ્સના વૈશ્વિક વડા અશોક વાસવાણી (24)નો સમાવેશ કરાયો છે.
આ વર્ષના પ્રારંભમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ યુકેની મુલાકાતે આવ્યા ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના બ્રેકફાસ્ટ મીટિંગમાં ભાગ લેનારા જેપી મોર્ગન (યુરોપ)ના સીઈઓ વિસ રાઘવન (43)નુ મિશન ઉદ્યોગની કલંકિત પ્રતિષ્ઠા પૂર્વવત કરવાનું છે.
બકાયા બીબીસી રેડિયો 4 ના પ્રથમ BAME કંટ્રોલર છે, જે દર અઠવાડિયે સરેરાશ 10-11 મિલિયન શ્રોતાઓ આકર્ષે છે. પીઢ ટીકાકાર યાસ્મિન અલીભાઇ બ્રાઉને બકાયાની નિમણૂક વિશે કહ્યું હતું કે “રેડિયો વધુ શ્યામ અને એશિયન શ્રોતાઓની ઇચ્છા ધરાવે છે, જેનો ત્યાં અભાવ છે. મારા મતે આપણે આને તેજસ્વી સિદ્ધિ તરીકે જોવાની જરૂર છે, પછી ભલેને તે કોઈપણ હોય.”
આર્ટ્સમાં, લંડનના સાઉથ બેંકના ક્રીએટીવ ડાયરેકટર અને બુશ થિયેટરના સીઈઓ તથા આર્ટીસ્ટિક ડાયરેકટર તરીકે છ વર્ષ સેવા આપનારા મદની યુનિસ (77) કલ્ચર વલ્ચર ક્ષેત્રે નોંધપાત્ર ગણાય છે.
આ વર્ષે ઇંગ્લેન્ડ ક્રિકેટ વર્લ્ડ ચેમ્પિયન બન્યું તેમાં વિવિધતા કેન્દ્રસ્થાને હતી અને એશિયન ખેલાડી આદિલ રાશિદ (61) બેમ ક્રિકેટર્સનો રોલ મોડેલ ગણાય છે.