પ્રભાસનું કહેવું છે કે ‘બાહુબલી’નો રેકૉર્ડ કોઈ પણ શુક્રવારે તૂટી શકે છે. ‘બાહુબલી’ના બન્ને પાર્ટે બૉક્સ-ઑફિસ પર ખૂબ જ ધૂમ મચાવી હતી. ખાસ કરીને ‘બાહુબલી’ના બીજા પાર્ટે દુનિયાભરમાં ધમાલ મચાવી હતી. આ ફિલ્મ બૉલીવુડમાં અત્યાર સુધીની સૌથી વધુ બિઝનેસ કરનારી ફિલ્મ છે. એણે ૫૧૦.૯૯ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. પ્રભાસની ‘સાહો’ આ શુક્રવારે રિલીઝ થઈ રહી છે. આ રેકૉર્ડ વિશે પૂછતાં પ્રભાસે કહ્યું હતું કે ‘આ રેકૉર્ડ કોઈ પણ શુક્રવારે તૂટી શકે છે. આ રેકૉર્ડ એક શરૂઆત છે અંત નથી. ગુજરાતનો અથવા તો વેસ્ટ બેંગાલનો કે કોઈ પણ ફિલ્મમેકર અમારી પાસે જે રેકૉર્ડ છે એને આરામથી તોડી શકે છે.કન્નડ ફિલ્મ ‘KGF’એ પણ સારો બિઝનેસ કર્યો હતો. દરેક વ્યક્તિ ભારતભરમાં હવે તેમની ફિલ્મ રિલીઝ કરી શકે છે. ફિલ્મ જો સારી હોય તો એ અવશ્ય ચાલશે. દરેક રાજ્યમાં ખૂબ જ સારી -સારી ફિલ્મો બની રહી છે અને આ ખૂબ જ સારો સમય છે.’