અમેરિકામાં હજારોની સંખ્યામાં કોરોનાના કેસો બહાર આવી રહ્યા છે ત્યારે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટવીટ કર્યું હતું કે અમારા લોકો કામ પર પરત ફરવા માગે છે, તેઓ સામાજિક દૂરી રાખીને મજબૂતીથી આગળ આવશે. ટ્રમ્પના આ બયાનના કેટલાક સ્વાસ્થ્ય વિશેષજ્ઞોએ ટિકા કરતા જણાવ્યું હતું કે જો આમ થશે તો વધારે ભયાનક સ્થિતિ સર્જાશે. તો ટ્રમ્પે આ જાહેરાતની સાથે સાથે રાહત પેકેજ આપવાની પણ જાહેરાત કરી હતી, તો અમેરિકાની એક કંપનીએ ચીન પર કરોડો ડોલરનો કેસ ઠોકવાની ચીમકી આપી હતી.

આ અંગેની વિગત એવી છે કે અમેરિકામાં મંગળવાર કોરોનાના 10000 કેસ બહાર આવ્યા હતાં. જ્યારે બુધવારે 5 હજાર કેસ જાહેર થયા હતા, અમેરિકામાં અત્યાર સુધીમાં 808 લોકોનો કોરોનાએ ભોગ લીધો છે ત્યારે રાષ્ટ્રપતિ ટ્રમ્પે 12 એપ્રિલ અર્થાત ઇસ્ટર સુધીમાં દેશની અર્થ વ્યવસ્થા પાટા પર ચડાવવાની આશા રાખી હતી. લાખો અમેરિકનોના લોકડાઉન, નેશનલ ગાર્ડ અને સૈન્ય દળોની તૈનાતી છતાં ન્યૂયોર્કમાં 53 લોકોના મોત થયા છે. ન્યૂયોર્ક વાઈરસનું કેન્દ્ર બની રહ્યું છે તે સંજોગોમાં ટ્રમ્પે લોકો કામ પર પરત ફરે તેવી ઇચ્છા રાખતા સ્વાસ્થ્ય વિશેષજ્ઞોએ ચેતવણી આપી છે કે આથી સ્થિતિ ભયાનક બની શકે છે.

બીજી બાજુ અમેરિકામાં અર્થ વ્યવસ્થાને 2000 અબજ ડોલરનું રાહત પેકેજ આપવા પર સહમતી સધાઈ છે. જેમાં યુવાનોને 1200 ડોલર અને બાળકો માટે 500 ડોલરનો આર્થિક લાભ અપાશે. તો બીજી બાજુ અમેરિકાની એક કંપની બજ ફોટોઝ, વકીલ લેરી ક્લેમેન અને સંસ્થા ફ્રીડમ વોચે ચીન સરકાર સામે 20 લાખ કરોડ ડોલરનો કેસ દાખલ કર્યો છે. જેમાં આરોપ કરાયો છે કે ચીને કોરોના વાઈરસનો હથિયાર તરીકે ઉપયોગ કર્યો છે. અમેરિકામાં કોરોના વાઈરસને ખાળવા ટ્રમ્પે કોરિયા પાસે ટેસ્ટ કીટની પણ માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે દ. કોરિયામાં વાઇરસનો વધુ પ્રભાવ હતો પરંતુ ત્યાં મોટી સંખ્યામાં તપાસ કરીને રોકી લેવાયો હતો.