વડાપ્રધાન બોરિસ જ્હોન્સન શનિવારે તા. 7ના રોજ બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર – ‘નીસ્ડન મંદિર’ની મુલાકાતે જઇ પહોંચ્યા હતા અને મંદિરના પ્રેરક, નિર્માતા પ. પૂ. પ્રમુખ સ્વામી મહારાજના 98માં જન્મદિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો. મંદિરની આ તેમની ચોથી મુલાકાત હતી. 2012માં લંડનના મેયર હતા ત્યારે તેમણે ભારતના નવી દિલ્હી સ્થિત સ્વામિનારાયણ અક્ષરધામની મુલાકાત પણ લીધી હતી. આ વખતે તેમની સાથે હોમ સેક્રેટરી પ્રીતિ પટેલ અને તેમની પાર્ટનર કેરી સાયમન્ડ્સ પણ હતા.
વડા પ્રધાનનું મંદિરમાં પરંપરાગત હિન્દુ વિધિ મુજબ સ્વાગત કરાયુ હતુ અને તેમણે શ્રી નીલકંઠ વર્ણીનો વિધિપૂર્વક અભિષેક કર્યો હતો તેમજ મુખ્ય મંદિરમાં ભગવાન સ્વામિનારાયણને ફૂલ અર્પણ કર્યા હતા. તેઓ મંદિરમાં હિન્દુ સંગઠનોના નેતાઓ, હિન્દુ સમુદાયના સભ્યો, અબાલવૃદ્ધ સ્વયંસેવકો, દર્શનાર્થી પરિવારો અને બાળકોને પણ મળ્યા હતા અને મંદિરની વિવિધ પ્રવૃત્તિઓ વિશે જાણકારી મેળવી હતી.
વડાપ્રધાન સભાહૉલમાં પહોંચતા જ ઉપસ્થિત ભક્ત સમુદાયે તેમનુ તાળીઓના ગડગડાટથી અભિવાદન કર્યું હતુ. મંદિરના વડા યોગવિવેક સ્વામીએ વડા પ્રધાનને બીએપીએસના વર્તમાન ગુરુ અને પ.પૂ. મહંત સ્વામી મહારાજના આશીર્વાદ આપ્યા હતા.
વડાપ્રધાને જ્હોન્સને યુકેને આ ભવ્ય મંદિર ભેટ કરવા બદલ પ્રથમ પૂ. પ્રમુખ સ્વામી મહારાજનો આભાર વ્યક્ત કરી પ્રમુખસ્વામી મહારાજે પ્રોત્સાહિત કરેલા “કુટુંબની એકતા, સેવા અને ફરજ” જેવા મૂલ્યોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. જ્હોન્સને જણાવ્યુ હતુ કે ‘’તેમણે પોતાનું આખું જીવન અન્યની સેવામાં સમર્પિત કર્યું હતુ. ભાગ્યે જ જાહેર જીવનમાં કોઈ વ્યક્તિએ આટલા લાંબા સમય સુધી સેવા આપી હશે. તેમણે ખૂબ તેજસ્વી સેવા આપી હતી, ખૂબ મહેનત કરી ઘણા લોકોને એક સાથે લાવ્યા હતા. તેઓ આપણને બધાને અનુસરવા માટે કાયમી વારસો મૂકી ગયા હતા.”
આવતા ઑગસ્ટ માસમાં મંદિરની 25મી વર્ષગાંઠની ઉજવણી અંગે વડા પ્રધાને જણાવ્યું હતું કે “આ મંદિર આપણા દેશ માટે સૌથી મોટી ભેટ છે. તે એક બિલ્ડિંગથી ઘણુ વિશેષ છે. તે સૌના જીવનમાં આશ્ચર્યજનક સામુદાયિક ભાવના લાવે છે. તમે મહાન સેવાભાવી કાર્યો દ્વારા સમાજને પાછુ આપી રહ્યા છો. તમે આ દેશ માટે જે કરો છો તેના માટે આભાર. તમને મેળવી લંડન અને યુકે નસીબદાર બન્યા છે.”
વડા પ્રધાને બ્રિટિશ ભારતીય સમુદાયની ગ્રેટ બ્રિટનની સંસ્કૃતિ, જાહેર સેવાઓ અને વાણિજ્યને સમૃદ્ધ બનાવવા માટે તેમના અમૂલ્ય યોગદાન બદલ પ્રશંસા પણ કરી હતી. વડા પ્રધાનને તેમની અગાઉની મુલાકાતના સ્મૃતિચિત્રો રજૂ કરવામાં આવ્યા હતા.