પ્રિયંકા ચોપરા જોનસનું માનવું છે કે આજે લોકો પોતાની ફૅમિલીથી અળગા થઈ રહ્યાં છે. ‘ધ સ્કાય ઇઝ પિંક’ પહેલાં તેણે કદી પણ હિન્દી ફિલ્મ પ્રોડ્યુસ નહોતી કરી. આ ફિલ્મને પ્રોડ્યુસ કરવા વિશે પૂછતાં પ્રિયંકાએ કહ્યું હતું કે ‘મેં ફિલ્મ મેકર્સને જણાવ્યું હતું કે મેં કદી પણ હિન્દી ફિલ્મ પ્રોડ્યુસ નથી કરી. જોકે તમારા માર્ગદર્શન હેઠળ હું એ પણ શીખી જઈશ. શું તમે મને તમારી ફિલ્મની કો-પ્રોડ્યુસર બનાવશો? તેઓ ખૂબ જ ખુશ થયા અને તેમણે મારો પ્રોડ્યુસર તરીકે સ્વીકાર કરી લીધો હતો.’પ્રિયંકા અને ફરહાન અખ્તરની ‘ધ સ્કાય ઇઝ પિંક’ ૧૧ ઑક્ટોબરે રિલીઝ થવાની છે. ફિલ્મની સ્ટોરી રિયલ લાઇફ કપલની છે. ફિલ્મમાં તે અદિતીનાં પાત્રમાં જોવા મળવાની છે. ફિલ્મનાં પાત્રોએ તેને તેનાં પેરન્ટ્સની યાદ અપાવી હતી. તેનાં પિતા અશોક ચોપડાનું ૨૦૧૩માં અવસાન થયું હતું. પોતાનાં પેરન્ટ્સ વિશે જણાવતાં પ્રિયંકાએ કહ્યું હતું કે ‘મારા પેરન્ટ્સ હંમેશાં મારી સાથે અડીખમ ઊભા રહ્યાં છે. તેમણે પોતાના સપનાઓ અને ઇચ્છાઓનો ત્યાગ કરીને મને સપોર્ટ કર્યો હતો. તેમણે પોતાની આકાંક્ષાઓનું બલિદાન આપ્યુ હતું જેથી કરીને હું મારા સપનાંઓ સાકાર કરી શકું. વર્તમાનમાં મને એવું લાગી રહ્યું છે કે આજનાં સ્વાર્થી જગતમાં આપણે આપણાં પરિવારથી દૂર જઈ રહ્યા છીએ.