પાકિસ્તાનના માનવ અધિકાર વિભાગના મંત્રી ડો. શિરીન એમ. મજારીએ યુનિસેફને પત્ર લખીને અભિનેત્રી પ્રિયંકા ચોપરા જોનસને ગુડવિલ એમ્બેસેડર ફોર પીસના પદેથી હટાવવાની માંગ કરી હતી. ત્યાર બાદ અન્ય અભિનેત્રી કંગના રનૌત, લેખક જાવેદ અખ્તર તથા નેશનલ એવોર્ડ વિજેતા અભિનેતા આયુષ્યમાન ખુરાનાએ પ્રિયંકાને સપોર્ટ કર્યો હતો.
આ મુદ્દે યુનિસેફના પ્રવક્તા સ્ટેફિનએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે જ્યારે યુનિસેફના ગુડવિલ એમ્બેસેડર પોતાની પસંદ તથા ચિંતા સાથે જોડાયેલા વિષયો પર વ્યક્તિગત રીતે બોલે છે તો તેમના અંગત વિચાર તથા એક્શન યુનિસેફને અસર કરતાં નથી. જ્યારે તેઓ યુનિસેફ તરફથી બોલતા હોય ત્યારે તેમની પાસેથી અપેક્ષા રાખવામાં આવે છે કે તેઓ યુનિસેફની નિષ્પક્ષ નીતિ પર અડગ રહે.
પાકિસ્તાની મંત્રીના પત્રમાં કહેવામાં આવ્યું હતું, ‘ભારતના હિસ્સાવાળા કાશ્મીરમાં ભારતીય સૈનિકો મહિલાઓ તથા બાળકો પર પેલેટ ગન ચલાવી રહ્યાં છે. ફાસીવાદ તથા નરસંહારને લઈ ભાજપ સરકાર પૂરી રીતે નાઝીની જેમ વર્તન કરી રહી છે. પ્રિયંકા ચોપરાએ જાહેરમાં ભારત સરકારની હાલની પરિસ્થિતિને ટેકો આપ્યો છે. આટલું જ નહીં એક્ટ્રેસે ભારતના સંરક્ષણ મંત્રીએ પાકિસ્તાનને આપેલી ન્યૂક્લિયર હુમલાની ધમકીને પણ સપોર્ટ કર્યો છે. જો પ્રિયંકાને જલ્દીથી આ પદ પરથી દૂર કરવામાં નહીં આવે તો યુએન ગુડવિલ એમ્બેસેડર હાસ્યાસ્પદ બનીને રહી જશે.’