કોંગ્રેસ ના નેતા રાહુલ ગાંધીએ ઉન્નાવ રેપ કેસ પીડિતા ના મોત પર દુ:ખ વ્યક્ત કર્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું કે વધુ એક દીકરીએ ન્યાય અને સુરક્ષાની આશામાં દમ તોડ્યો. રાહુલ ગાંધી એ ટ્વીટ કરીને કહ્યું કે, “ઉન્નાવની માસૂમ દીકરીનું દુ:ખદ અને હ્રદયદ્રાવક મોત, માનવતાને શર્મસાર કરનારી ઘટનાથી આક્રોશિત અને સ્તબ્ધ છું. વધુ એક દીકરીએ ન્યાય અને સુરક્ષાની આશામાં દમ તોડ્યો. દુ:ખની આ ઘડીમાં પીડિત પરિવાર પ્રત્યે હું મારી સંવેદના વ્યક્ત કરું છું.”અત્રે જણાવવાનું કે શુક્રવારે રાતે 11.40 વાગે પીડિતા એ દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં દમ તોડ્યો. જેની જાણકારી પીડિતાની બહેને આપી હતી. હોસ્પિટલના બર્ન અને પ્લાસ્ટિક સર્જરી વિભાગના એચઓડી ડો.શલભકુમારે પીડિતાના નિધનના અહેવાલને સત્તાવાર સમર્થન આપતા કહ્યું હતું કે રાતે લગભગ 11.40 વાગે પીડિતાના હ્રદયે કામ કરવાનું બંધ કરી દીધું. ડોક્ટરોની તમામ કોશિશો છતાં તેની સ્થિતિમાં કોઈ સુધાર થયો નહીં અને રાતે 11.40 વાગે તેનું નિધન થયું.