ગુજરાતમાં અમુક વિસ્તારોમાં હાલ અતિવૃષ્ટિ જેવી સ્થિતિ સર્જાય તેવી સ્થિતિ સર્જાઈ છે. રાજ્યના અમુક વિસ્તારોમાં 100 ટકાથી વધારે વરસાદ વરસી ચૂક્યો છે અને વરસાવાનું અવિરત ચાલુ છે. તેવી સ્થિતિમાં અમદાવાદ સહિત રાજ્યભરમાં વરસાદી માહોલ બન્યો છે. આજે અમદાવાદ સહિત અમુક વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી વચ્ચે ભારે વરસાદ પડી રહ્યો છે અને 3 ઈંચ વરસાદ પડી ચૂક્યો છે.

જ્યારે અમદાવાદના સરસપુરમાં વરસાદી પાણી ઘરોમાં ઘૂસી ગયા હતા. જશોદાનગરથી એસપી રિંગ રોડ નિરમા સુધી અડધો પાણીમાં છે. વરસાદી પાણી જવાની લાઈનો ચોકઅપ થઈ જતાં પાણી ઓવરફ્લો થવા લાગ્યું હતું. તેમાં પણ પૂર્વના નીચાણવાળા વિસ્તારો જેવા કે સરસપુર, ગોમતીપુર વગેરેમાં હાલત વધુ ખરાબ થઈ ગઈ હતી.

હાલ અતિવૃષ્ટિ જેવી સ્થિતિ સર્જાઈ છે. રાજ્યના અમુક વિસ્તારોમાં 100 ટકાથી વધારે વરસાદ વરસી ચૂક્યો છે અને વરસાવાનું અવિરત ચાલુ છે. તેવી સ્થિતિમાં અમદાવાદ સહિત રાજ્યભરમાં વરસાદી માહોલ બન્યો છે. અમદાવાદમાં સવારે દોઢ કલાક સુધી મેઘરાજાની બરાબરની બેટિંગના કારણે ઠેર-ઠેર પાણી ભરાયા હતા. તેમાં પણ પૂર્વમાં જશોદાનગરથી એસપી રીંગ રોડ સુધીનો વિસ્તાર તો રીતસર પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.

વટવા ફેઝ-2 જવાના રસ્તા પર તો કેડ સુધી પાણી ભરાયા હતા અને ખાત્રજ ચોકડી તથા રીંગ રોડ તરફ જતો વાહનવ્યવહાર સંપૂર્ણપણે સ્થગિત થઈ ગયો હતો. કેડસમા પાણીમાં નિકળવાનો પ્રયાસ કરતાં સંખ્યાબંધ વાહનો બંધ પડી જતાં લોકોની વધુ કફોડી સ્થિતિ બની હતી.વડોદરા શહેર અને જિલ્લામાં રાત્રી દરમિયાન 4 ઇંચ સુધી વરસાદ ખાબક્યો હતો. જેને પગલે વડોદરા શહેર અને જિલ્લામાં સર્વત્ર પાણી પાણી થઇ ગયું છે.

નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. અમદાવાદમાં ત્રણ ઈંચ વરસાદ પડ્યો છે. આજવા ડેમની સપાટીમાં વધારો થતાં વિશ્વામિત્રી નદીની સપાટીમાં વધારો થયો છે. કેચમેન્ટ એરિયામાં ભારે વરસાદને પગલે આજવા ડેમની સપાટી હાલ 212.75 ફૂટ ઉપર પહોંચી છે. અને વિશ્વામિત્રી નદીની સપાટી 12.75 ફૂટ ઉપર પહોંચી છે.

વડોદરા શહેરમાં રાત્રી દરમિયાન સતત વરસાદને પગલે વડોદરા શહેરના રાજમહેલ રોડ, માંડવી, ન્યાયમંદિર, રાવપુરા, અલકાપુરી સહિતના વિસ્તારોમાં રોડ પર પાણી ભરાઇ ગયા છે. આ ઉપરાંત વાઘોડિયા રોડ અને આજવા રોડ વિસ્તારમાં નીચાણવાળા વિસ્તારની સોસાયટીઓમાં પણ પાણી ઘૂસી ગયા હતા.

આજવા ડેમના કેચમેન્ટ એરિયામાં 61 મિ.મી. જેટલા વરસાદને પગલે ડેમની સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. જેનું પાણી વિશ્વામિત્રી નદીમાં ઠલવાઇ રહ્યું છે. જેથી વિશ્વામિત્રી નદીની સપાટીમાં રાતથી જ વધારો થઇ રહ્યો છે. ભારે વરસાદને પગલે વડોદરા જિલ્લામાંથી પસાર થતી ઢાઢર નદી હાલ બે કાંઠે વહી રહી છે. જેને પગલે કંટેશ્વર ગામમાં જવાનો રસ્તો બંધ થઇ ગયો છે.

કરજણમાં 84 મિ.મી., ડભોઇમાં 73 મિ.મી., વડોદરામાં 49 મિ.મી., વાઘોડિયામા 45 મિ.મી., શિનોરમાં 76 મિ.મી. અને સાવલીમાં 8 મિ.મી. વરસાદ નોંધાયો હતો. બોડેલીમાં-75 મિ.મી., નસવાડીમાં 50 મિ.મી., પાવી જેતપુરમાં 50 મિ.મી. વરસાદ ખાબક્તો છે. આ ઉપરાંત છોટાઉદેપુર અને કવાંટમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે.