હાલ ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે તેવા સમયે હેલ્મેટ ના નિયમ નો લોકો વધુ ને વધુ પાલન કરે તેને ધ્યાન માં રાખી રાજકોટ ટ્રાફિક પોલીસ દ્વારા એક અલગ પ્રકારનો કાર્યક્રમ યોજ્યો હતો. રાજકોટ પોલીસે ટ્રાફિકના નિયમોનું પાલન કરનારા ચાલકોને લાડુનો પ્રસાદ આપી તેમને બિરદાવ્યા હતા. પોલીસે ગણપતિબાપાનો વેશ ધારણ કરી હેલ્મેટ પહેરાનારા ચાલકોને લાડુનો પ્રસાદ વહેંચ્યો હતો.

એક તરફ કેન્દ્ર સરકાર દ્વારા ટ્રાફિક ના નિયમો માં ફેરફાર કરી દંડ ની રકમ માં વધારો કરવા વિચારણા ચાલી રહી છે તો બીજી તરફ રાજકોટ શહેર પોલીસ દ્વારા ટ્રાફિક અવેરનેસ અંગે અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. રાજકોટ શહેર પોલીસ દ્વારા ટ્રાફિક અવેરનેસ અંગે કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હેલ્મેટ પહેરી વાહન ચલાવતા વાહન ચાલકોનું સન્માન કરવામાં આવ્યું હતું.

રાજકોટ ટ્રાફિક પોલીસ માં ફરજ બજાવતા ટ્રાફિક બ્રિગેડના જવાનોએ ગણપતિ બાપા નો વેશ ધારણ કરી જિલ્લા પંચાયત ચોક ખાતે હેલ્મેટ પહેરી નીકળતા વાહનચાલકો ને પ્રસાદ રૂપી લાડુ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા હતા.

લોકોમાં ટ્રાફિક અંગે અવેરનેસ આવે તે માટે રાજકોટ ટ્રાફિક પોલીસ દ્વારા અવારનવાર આ પ્રકારે કાર્યક્રમ યોજવામાં આવતા હોય છે સાથે જ લોકો પણ માની રહ્યા છે કે હેલ્મેટ પહેરવું એ સલામતી નો એક ભાગ છે પરંતુ દંડ વસૂલી પરાણે હેલ્મેટ પહેરાવવું એ યોગ્ય નથી, દંડ ની કિંમત ઓછી વસૂલવામાં આવે તેવો પણ સૂર ક્યાંક જોવા મળ્યો હતો.