ટાટા ટ્રસ્ટે કોરોના વાયરસ રોગચાળાનો ભોગ બનેલા લોકોની મદદ માટે 500 કરોડ રૂપિયાની મદદ કરશે. આ ફંડનો ઉપયોગ પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વીપમેન્ટ, રેસ્પિરેટરી સિસ્ટમ, ટ્રીટમેન્ટ અને ટેસ્ટીંગ કિટ પર ખર્ચ કરવામાં આવશે. તેની સાથે જ આ ફંડનો ઉપયોગ મોડ્યુલર ટ્રીટમેન્ટ ફેસીલીટી,હેલ્થ વર્કર્સની ટ્રેનિંગ, અને સામાન્ય લોકોને જાગૃત કરવાનાં કાર્ય પર ખર્ચ કરવામાં આવશે. શનિવારે કંપનીએ એક નિવેદન જારી કરીને આ જાણકારી આપી.

આ અંગે ટાટા ગ્રુપનાં ચેરમેન રતન ટાટાએ કહ્યું કે ભારત સહિત દુનિયાભરમાં કોરોના વાયરસનાં ચેપની સ્થિતી ચિંતાજનક છે. આ અંગે વિશેષ ધ્યાન આપવાની જરૂર છે, વિતેલા સમયમાં પણ રાષ્ટ્રની જરૂરીયાત માટે ટાટા ટ્રસ્ટ અને ટાટા ગ્રુપ આગળ આવ્યા છે.

વર્તમાનની પરિસ્થિતિ પર પણ ખાસ ધ્યાન આપવાની જરૂર છે, મારૂ માનવું છે કે આ મુશ્કેલ પરિસ્થિતીમાં ઇમર્જન્સિ રિસોર્સીસનો તાત્કાલીક ઉપયોગ કરવો જોઇએ, જેથી કરીને આપણે કોવિડ-19 સંકટનો સામનો કરી શકીએ, આ માનવજાત માટે સૌથી મુશ્કેલ સમય છે.કોરોના વાયરસ સામેની લડતમાં મદદ કરવા માટે ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ ઓફ ઇન્ડીયા (બીસીસીઆઈ) પણ આગળ આવ્યું છે.

બીસીસીઆઈએ શનિવારે જાહેરાત કરી હતી કે વાયરસ સામેના ‘યુદ્ધ’માં તેના દ્વારા 51 કરોડ રૂપિયા આપવામાં આવશે. વિશ્વભરમાં આ ખતરનાક વાયરસથી અત્યાર સુધીમાં 28 હજારથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના લોકોને અપીલ કરી છે કે તેઓ કોરોના સામેના યુદ્ધમાં સ્વૈચ્છિક રીતે આગળ આવે અને મદદ કરે.

બોર્ડ દ્વારા જારી કરાયેલા નિવેદનમાં બીસીસીઆઈના પ્રમુખ સૌરવ ગાંગુલી, સેક્રેટરી જય શાહ, બીસીસીઆઈના પદાધિકારીઓ અને સંલગ્ન રાજ્ય સંઘોએ શનિવારે PM-Cares Fundમાં 51 કરોડનું દાન આપવાની જાહેરાત કરી છે. આ નિર્ણય દેશની આપત્તિ વ્યવસ્થાપન ક્ષમતાને મજબૂત કરવા અને COVID -19 સામેની લડતમાં ફાળો આપવા માટે લેવામાં આવ્યો. બીસીસીઆઈના વડા સૌરભ ગાંગુલીએ પણ આ અંગે માહિતી આપતાં ટ્વીટ કર્યું છે.

તેણે આ પહેલા 50 લાખ રૂપિયાના ચોખા દાનમાં આપવાની જાહેરાત કરી હતી. તે ઉપરાંત બોલિવૂડ અભિનેતા અક્ષય કુમારે પણ 25 કરોડ રૂપિયાનું દાન આપવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત સાઉથની ફિલ્મોના અભિનેતા બાહુબલી ફેમ પ્રભાસે પણ 1 કરોડના દાનની જાહેરાત કરી છે.