કુસ્તીબાજ બજરંગ પુનિયા, પેરા એથ્લીટ (દીવ્યાંગ) દીપા મલિકને દેશનો સર્વોચ્ચ રમત પુરસ્કાર – ખેલ રત્ન એવોર્ડ એનાયત કરાશે. સૌરાષ્ટ્રના દિગ્ગજ ઓલરાઉન્ડર ક્રિકેટર રવિન્દ્ર જાડેજા તેમજ સુરતના આંતરરાષ્ટ્રીય ટેબલ ટેનિસ સ્ટાર હરમીત દેસાઈની પસંદગી અર્જુન એવોર્ડ માટે કરાઈ છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારત તરફથી શાનદાર દેખાવ કરી રહેલા રવિન્દ્ર જાડેજાએ તાજેતરમાં વર્લ્ડ કપની સેમિ ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે ટોપ ઓર્ડરના ધબડકા પછી આઠમા ક્રમે બેટિંગમાં ઉતરી ૫૯ બોલમાં ૭૭ રન કરીને સનસનાટી મચાવી હતી.
અગાઉ ભારત ૨૦૧૩માં ઈંગ્લેન્ડની ભૂમિ પર ચેમ્પિયન્સ ટ્રોફીમાં વિજેતા બન્યુ તેમાં પણ જાડેજાએ શાનદાર બોલિંગ કરી સૌથી વધુ વિકેટ ઝડપી હતી. તે ટેસ્ટ બોલર્સ રેન્કિંગમાં ટોચનું સ્થાન પણ મેળવી ચૂક્યો છે.
સુરતના ૨૬ વર્ષના હરમીત દેસાઈએ આંતરરાષ્ટ્રીય ટેબલ ટેનિસમાં નોંધપાત્ર સફળતા સાથે આગવી ઓળખ ઉભી કરી છે. હરમીત ગત વર્ષે કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ વિજેતા ભારતની પુરૂષોની મેન્સ ટીમનો મહત્વનો હિસ્સો રહી ચૂક્યો છે. આ વર્ષે જુલાઈમાં ઘરઆંગણે કોમનવેલ્થ ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપમાં હરમીતના શાનદાર અને નિર્ણાયક દેખાવને સહારે ભારતે ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. હરમીતે મેન્સ સિંગલ્સમાં પણ ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો.
દીપા મલિકે ૨૦૧૬ના રીઓ પેરાલિમ્પિક્સમાં ગોળા ફેંકની ઈવેન્ટમાં રજત ચંદ્રક મેળવ્યો હતો. તે પેરાલિમ્પિકમાં ભારત માટે ચંદ્રક જીતનારી સૌપ્રથમ મહિલા ખેલાડી બની હતી.
બજરંગ પુનિયા એશિયાડ અને કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ મેળવી ચૂક્યો છે. દીપા મલિક અગાઉ પદ્મશ્રી અને અર્જુન એવોર્ડ પણ હાંસલ કરી ચૂકી છે.
ખેલ રત્ન એવોર્ડઃ બજરંગ પુનિયા (કુસ્તી), દીપા મલિક (પેરા એથ્લીટ).
અર્જુન એવોર્ડઃ રવિન્દ્ર જાડેજા (ક્રિકેટ), હરમીત દેસાઈ (ટેબલ ટેનિસ), તાજિન્દર સિઘ તૂર (એથ્લેટિક્સ), મોહમ્મદ અનસ (એથ્લેટિક્સ), એસ. ભાસ્કરન (બોડી બિલ્ડિંગ), સોનિયા લાઠેર (બોક્સિંગ), ચિંગ્લેન્સાના સિંઘ (હોકી), અજય ઠાકુર (કબડ્ડી), ગૌરવ સિંઘ ગીલ (મોટર સ્પોર્ટસ), પ્રમોદ ભગત (પેરા-બેડમિંટન), અંજુમ મુદગીલ (શૂટિંગ), પૂજા ધાંન્દા (કુસ્તી), ફવાદ મિરઝા (ઘોડેસવારી), ગુરપ્રીત સિંઘ સંધુ (ફૂટબોલ), પૂનમ યાદવ (ક્રિકેટ), સ્વપ્ના બર્મન (એથ્લેટિક્સ), સુંદર સિંઘ ગુર્જર (પેરા એથ્લેટિક્સ), બી. સાઈ પ્રણિત (બેડમિંટન), સિમરન સિંઘ શેરગિલ (પોલો)
ધ્યાન ચંદ એવોર્ડઃ મેન્યુઅલ ફેડ્રિક્સ (હોકી), અરુપ બાસક (ટેબલ ટેનિસ), મનોજ કુમાર (કુસ્તી), નીતિન કિર્તને (ટેનિસ), લાલરેમ સાંગા (તીરંદાજી)
દ્રોણાચાર્ય એવોર્ડ – નિયમિત વર્ગઃ મોહિન્દર સિંઘ ઢિલ્લોં (એથ્લેટિક્સ), સંદીપ ગુપ્તા (ટેબલ ટેનિસ) અને વિમલકુમાર (બેડમિંટન).
દ્રોણાચાર્ય એવોર્ડ – લાઈફટાઈમ વર્ગઃ સંજય ભારદ્વાજ (ક્રિકેટ), રામબીરસિંઘ ખોખર (કબડ્ડી) અને મેઝબાન પટેલ (હોકી).