યુકેમાં કોરોનાવાયરસના કારણે થતાં મૃત્યુનાં આંકમાં સતત બીજા દિવસે ઘટાડો થયો છે. છેલ્લા 24 કલાકમાં 180 લોકોના મૃત્યુ થયા હતા અને કુલ મરણ પામેલા લોકોની સંખ્યા 1,408 થઈ છે. પરંતુ ચિંતાની વાત એ છે કે કોરોનાવાયરસના નવા પોઝીટીવ કેસોની સંખ્યા આજે 2,619 નોંધાઇ હતી અને કુલ કેસો વધીને 22,000થી વધુ થયા છે. ઇંગ્લેન્ડમાં છેલ્લા 24 કલાકમાં 159, વેલ્સમાં 14, સ્કોટલેન્ડમાં 6 અને નોર્ધર્ન આયર્લેન્ડમાં 1 વ્યક્તિનુ મોત નિપજ્યુ છે. યુકેમાં શનિવારે 260 અને રવિવારે 209 વ્યક્તિના મોત બાદ આજે 180 લોકોના મોત નિપજ્યાં હતાં. પ્રિન્સ ચાર્લ્સને આજે સેલ્ફ ઓઇસોલેશનમાંથી બહાર નીકળવાની મંજૂરી આપવામાં આવી હતી અને તેઓની તબિયત સારી છે.

અધિકારીઓ હોસ્પિટલોની બહાર થયેલા મોતની ગણતરી કરનાર છે તે જોતા આવતીકાલે જાનહાનીમાં મોટો ઉછાળો આવે તેવો ભય છે. હમણાં સુધી હોસ્પિટલમાં દાખલ થતાં પહેલાં વાયરસના કારણે મરણ પામ્યા હોય તેવા લોકોનો સમાવેશ મૃતકોની સંખ્યામાં કરવામાં આવ્યો ન હતો. બ્રિટનમાં નવા નોંધાયેલા કેસોની સંખ્યામાં 8 ટકાનો વધારો નોંધાયો છે. પરંતુ નિષ્ણાંતોએ આગાહી કરી છે કે પોઝીટીવ કેસની સાચી સંખ્યા બે મિલિયનથી વધુ હશે.

વડા પ્રધાન સેલ્ફ આઇસોલેટ થઇ ગયા છે ત્યારે ફોરેન સેક્રેટરી ડોમિનિક રાબે આજે તા. 30ના રોજ રાત્રે ડાઉનિંગ સ્ટ્રીટની દૈનિક કોરોનાવાયરસ કોન્ફરન્સને સંબોધતા જણાવ્યુ હતુ કે ‘’સરકાર અને એરલાઇન્સ વચ્ચે 75 મિલિયન પાઉન્ડની નવી ભાગીદારી હેઠળ વિદેશમાં ફસાયેલા હજારો બ્રિટિશ પ્રવાસીઓને પરત લવાશે.’’

આ બ્રીફિંગમાં ઉપસ્થિત ચિફ સાયન્ટીફીક સલાહકાર સર પેટ્રિક વૉલેન્સે કહ્યું હતું કે ‘’કોરોનાવાયરસથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા લોકોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે.’’ પરંતુ તેમણે લોકોને ખાતરી આપી હતી કે એનએચએસમાં કોરોનાવાયરસ સંબંધિત પ્રવેશની સંખ્યા રોજના 1000 વધારાના દર્દીઓની છે જે વધારે ચિંતાજનક નથી અને આરોગ્ય સેવા તેનો સામનો કરી રહી છે. યુકેમાં કોરોના વાયરસનો ફેલાવો ખરેખર ‘ધીમો થવાની શરૂઆત’ હોઈ શકે છે, પરંતુ મૃત્યુની સંખ્યા સતત વધશે એમ સરકારના નિષ્ણાત નીલ ફર્ગ્યુસને જણાવ્યુ હતુ.

  • સ્થાપક સ્ટીલિયોસ સહિત શેરહોલ્ડરોને 174 મિલિયન પાઉન્ડનુ ડિવિડન્ડ ચૂકવ્યાના માત્ર દસ દિવસ પછી ઇઝિ જેટે તેના 330થી વધુ વિમાનોનો સંપૂર્ણ કાફલો ઉતારી દઇ સેવા બંધ કરી દીધી હતી.
  • ફૂડ ડિલિવરી ડ્રાઇવરો સહિતના મુખ્ય કામદારો સ્ટોર્સથી દૂર થતાં ઘણી સુપરમાર્કેટની ડિલિવરી 70 વર્ષ કરતા વધુ વયના વૃધ્ધો, બસ ડ્રાઇવરો તેમજ કી વર્કરોને મળતી નથી.
  • લોકડાઉનને અમલમાં મૂકવા માટે નવી સત્તાઓથી સજ્જ પોલીસે લોકડાઉનના નિયમોનુ પાલન નહિ કરતા લેબર પાર્ટીના ભૂતપૂર્વ નેતા નીલ કિનોકના સાંસદ પુત્ર સહિત અન્યોને સત્તાનો પરચો બતાવ્યો હતો.
  • ફોર્મ્યુલા વનની ટીમોએ એક શ્વાસ ઉપકરણ બનાવ્યું છે જે કોરોનાવાયરસ દર્દીઓને ICUમાં જતાં અટકાવશે અને તે થોડા દિવસોમાં હોસ્પિટલોમાં મળી જશે.
  • મિનીસ્ટર્સે 17.5 મિલિયન એન્ટિબોડી ટેસ્ટ કીટનો ઓર્ડર કર્યો છે જેથી દેશની ચોથા ભાગની વસ્તીને ચેક કરી કી સ્ટાફને કામ પર પાછા લાવી શકાય.
  • અર્થશાસ્ત્રીઓએ ચેતવણી આપી છે કે કટોકટીના કારણે યુકેની જીડીપીમાં 15 ટકાનો ઘટાડો થશે અને એફટીએસઇ 100 બે ટકાથી વધુ ઘટવાને કારણે બેરોજગારી ડબલ થઈ શકે છે.
  • ઇંગ્લેન્ડના વિસ્તારોમાં કોરોનાવાયરસવાળા દર્દીઓની સંખ્યા ઘટી રહી છે. પણ લંડનમાં સંખ્યા વધી રહી છે.
  • લૉકડાઉન પછી પહેલી વખત પરિવહનનો ઉપયોગ ઘટી ગયો છે તેમ નંબર 10 દ્વારા જણાવાયુ હતુ.
  • લગભગ 20,000 ભૂતપૂર્વ એનએચએસ સ્ટાફ કોરોનાવાયરસ સામેની લડતમાં મદદ કરવા પાછા ફર્યા છે.
  • કોરોનાવાયરસ માટે હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓની સંખ્યામાં લગભગ 50 ટકાનો વધારો થયો છે.