રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ બુધવારે રેપો રેટમાં 35 બેઝિસ પોઈન્ટ (બીપીએસ)થી 5.40 ટકાનો ઘટાડો કર્યો છે. આરબીઆઈ દ્વારા સળંગ ચોથી વખત રેપો રેટમાં ઘટાડો કરવામાં આવ્યો છે. રિવર્સ રેપો રેટ 5.15 ટકા છે. આ રેપો રેટ ઘટડીને હવે 5.40 થઈ ગયો છે. જ્યારે અગાઉ આ રેપો રેટ 5.75 ટકા હતો.
નોંધનીય છે કે રેપો રેટ ઘટ્યા બાદ બેન્કો પર હોમ અને ઓટો લોન પર વ્યાજ દર ઓછા કરવાનું દબાણ વધશે. આરબીઆઈ તરફથી રિવર્સ રેપો રેટમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. રિવર્સ રેપો રેટ હવે ઘટીને 5.15 ટકા થઈ ગયો છે. આ એ દર હોય છે જેના પર બેન્કોને તેમના તરફથી આરબીઆઈમાં જમા કરાવેલી રકમ પર વ્યાજ મળે છે.
આ દરમિયાન કેન્દ્રીય બેન્કે વર્તમાન નાણાકિય વર્ષ માટે જીડીપીનું અનુમાન 7 ટકાથી ઘટાડીને 6.9 ટકા કરી દીધું છે. આરબીઆઈ તરફથી આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે 5 ટ્રિલિયન ડોલરની ઈકોનોમીનો લક્ષ્યાંક હાંસલ કરવા માટે 8 ટકાના જીડીપી ગ્રોથના પ્રયાસમાં લાગી છે.
આરબીઆઈના આ નિર્ણયનો ફાયદો એવા લોકોને મળશે જેમની હોમ કે ઓટો લોનના હપ્તા ચાલી રહ્યા છે. હકિકતમાં આરબીઆઈ રેપો રેટમાં ઘટાડો કરે છે ત્યારે બેન્કો પર વ્યાજ દર ઓછો કરવાનું દબાણ આવે છે. નોંધનીય છે કે આરબીઆઈ દ્વારા સતત રેપો રેટમાં ઘટાડો કર્યા બાદ પર બેન્કોએ અપેક્ષા પ્રમાણે ગ્રાહકો સુધી ફાયદો પહોંચાડ્યો નથી. જેના કારણે તાજેતરમાં જ નાણામંત્રી નિર્મલા સિતારમણે બેન્કોને રેપો રેટમાં ઘટાડાનો લાભ ગ્રાહકોને આપવાનું કહ્યું હતું.