રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીએ એ વાતનો સ્વીકાર કર્યો છે કે ભારતીય અર્થવ્યવસ્થામાં મંદીનો માહોલ છે. જોકે તેમણે આ મંદી લાંબા ગાળાની ન હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યુ કે સરકારે હાલમાં જે પગલા ઉઠાવ્યા છે. તેનાથી આગામી ત્રણ મહિનામાં અર્થવ્યવસ્થાને તેજી મળશે.
સાઉદી અરેબિયાના રિયાધમાં ગયા સપ્તાહે આયોજિત વાર્ષિક રોકાણ મંચ ફ્યુચર ઈનવેસ્ટમેન્ટ ઈનિશિએટિવને સંબોધિત કરતા મુકેશ અંબાણીએ આમ જણાવ્યું હતું.
29 થી 31 ઓક્ટોબર સુધી આયોજિત આ કાર્યક્રમના મુખ્ય વક્તા પીએમ નરેન્દ્ર મોદી હતા. આ કાર્યક્રમમાં મુકેશ અંબાણી સહિત કેટલાક દિગ્ગજ ભારતીય બિઝનેસમેન પણ સામેલ થયા. મુકેશ અંબાણીએ મંગળવારે આ કાર્યક્રમને સંબોધિત કરતા કહ્યુ, હા ભારતીય અર્થવ્યવસ્થામાં થોડી મંદી જરૂર છે, પરંતુ મારૂ માનવુ છે કે આ અસ્થાયી છે.
છેલ્લા કેટલાક મહિનાઓમાં જે ઉપાય કરવામાં આવ્યા છે તેનુ પરિણામ દેખાશે અને મને પૂરો વિશ્વાસ છે કે આગામી ત્રણ મહિનાઓમાં પરિસ્થિતિ બદલાશે.
તેમણે વડાપ્રધાન મોદી, સાઉદી કિંગ સલમાન બિન અબ્દુલ અજીજ અલ સાઉદ અને તેમના પુત્ર પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન બિન અબ્દુલ અજીજનો હવાલો આપતા કહ્યુ આ સૌથી ઉપર એવુ નેતૃત્વ છે જે ગતિ આપનારૂ છે. બંને દેશોમાં એવુ નેતૃત્વ છે જે સમગ્ર દુનિયામાં અનોખુ છે. સાઉદી અરબે છેલ્લા 2-3 વર્ષમાં જોરદાર પરિવર્તન બતાવ્યુ છે.
ભારતીય અર્થવ્યવસ્થાના ગ્રોથ રેટમાં છેલ્લા પાંચ મહિનાથી પડતી જોવામાં આવી રહી છે. એપ્રિલ-જૂનના ત્રણ મહિનામાં તો આ 5 ટકા સુધી થઈ ગઈ છે, જ્યારે એક વર્ષ પહેલા 8 ટકા હતી. આ વર્ષે 2013 બાદ સૌથી ઓછો વૃદ્ધિ દર છે.