ભારતીય શેરબજાર છેલ્લા કેટલાંક દિવસોથી નવી-નવી ઉંચાઈના રેકોર્ડ બનાવી જ રહ્યું છે ત્યારે ખાનગી ક્ષેત્રની ટોચની કંપની રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે પણ નવો ઈતિહાસ રચ્યો છે. 10 લાખ કરોડનું માર્કેટકેપ હાંસલ કરનારી પ્રથમ ભારતીય કંપની
બની છે.રીલાયન્સના શેરના ભાવમાં એકધારી તેજી રહી છે. આજે ભાવ 1579ની નવી ઉંચાઈએ પહોંચ્યો ત્યારે કંપનીનું માર્કેટ કેપીટલાઈઝેશન 10 લાખ કરોડને આંબી ગયુ હતું અને આ સિમાચિહન હાંસલ કરનારી પ્રથમ ભારતીય કંપની બની હતી. રીલાયન્સનો શેર ચાલુ વર્ષમાં સતત ઉંચકાતો રહ્યો છે. ચાલુ વર્ષમાં અત્યાર સુધીમાં શેર 41 ટકા ઉછળ્યો છે. સેન્સકસ હેઠળની 30 સ્ક્રીપોમાં તેજી સરેરાશ 12 ટકા જ છે તેની સરખામણીએ રીલાયન્સમાં ભાવ વૃદ્ધિ ત્રણ ગણા કરતા પણ વધુ છે. રીલાયન્સનું માર્કેટ કેપ ગત સપ્તાહમાં 9.5 લાખ કરોડે પહોંચ્યું ત્યારથી જ કંપનીના શેરમાં નવો સળવળાટ સર્જાયો હતો. પેટ્રોલીયમથી માંડીને ટેલીકોમ સુધીના વ્યવસાયોમાં સામેલ ભારતની ખાનગી ક્ષેત્રની આ સૌથી મોટી કંપનીએ 18મી ઓકટોબરે 9 લાખ કરોડનું માર્કેટ કેપ હાંસલ કર્યું હતું ત્યારે પણ આ લેવલ હાંસલ કરનારી પ્રથમ કંપની બની હતી.