અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટે પોતાનો ઐતિહાસિક ચુકાદો સંભળાવી દીધો છે. સુપ્રીમ કોર્ટે વિવાદાસ્પદ જગ્યાને રામલલાને સોંપવા જણાવ્યું સાથે-સાથે કોર્ટે કહ્યું કે સુન્ની વક્ફ બોર્ડને મસ્જિદ નિર્માણ માટે વૈકલ્પિક જમીન આપવામાં આવે. મુસ્લિમ પક્ષના વકીલ જફરયાબ જિલાનીએ કહ્યું કે, હું ચુકાદાથી સંતુષ્ટ નથી. જો કે હું કોર્ટના નિર્ણયનું સમ્માન કરું છું. રામલલાના પક્ષમાં આવેલા ચુકાદાને મુસ્લિમ પક્ષ પડકારશે મુસ્લિમ પક્ષના વકીલ જફરયાબ જિલાની એ જણાવ્યુ કે, સવાલ 5 એકર જમીનનો નથી.

અમે મસ્જિદ કોઇને આપી શકીએ નહીં. મસ્જિદને હટાવી શકાય નહીં. અમે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આખો વાંચીને આગળની રણનીતિ બનાવીશું. અમે સુપ્રીમ કોર્ટના ચુકાદાનું સમ્માન કરીએ છીએ. હું દેશના લોકોને અપીલ કરું છું કે કોઇપણ પ્રકારનો વિવાદ ઉત્પન્ન ના કરે. મુસ્લિમ પક્ષ કોર્ટના ચુકાદાથી સંતુષ્ટ નથી. અમે વકીલ રાજીવ ધવન સાથે વાત કરીને આગળનો નિર્ણય કરીશું અને પડકારવા અંગે વિચારીશું.

દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલે અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટના ચુકાદાનું સ્વાગત કર્યું અને લોકોને શાંતિ અને સૌહાર્દ બનાવી રાખવાની અપીલ કરી. રક્ષા મંત્રી રાજનાથ સિંહએ જણાવ્યુ કે , અયોધ્યા પર સુપ્રીમ કોર્ટનો ચુકાદો સામાજિક તાણવાણાને વધુ મજબૂત કરશે. હું લોકોને શાંતિ અને સૌહાર્દ બનાવી રાખવાની અપીલ કરું છું.

અયોધ્યા પર સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ શહેરમાં વધુ ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો છે. સુરક્ષાકર્મી શહેરમાં ફ્લેગ માર્ચ કરી રહ્યા છે મુસ્લિમ પક્ષકાર ઇકબાલ અંસારીએ જણાવ્યુ કે અમે સુપ્રીમ કોર્ટના ચુકાદાનું સમ્માન કરીએ છીએ. આ રાજ્ય સરકારની ઉપર છે કે તે અમને કયાં જમીન આપે છે. આ ભારત માટે ખૂબ મોટો મુદ્દો હતો. જેનો ઉકેલ આવવો જરૂરી હતો, હું આ ચુકાદાથી ખુશ છુ. મુસ્લિમ પક્ષના વકીલ જફરયાબ જિલાનીએ સુપ્રીમ કોર્ટના ચુકાદામાં કેટલાંય વિરોધાભાસની વાત હોવાનું કહ્યું હતું.