આંતરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)એ બુધવારે તાજેતરના ટેસ્ટ રેન્કિંગની જાહેરાત કરી હતી. રોહિત શર્મા 722ના રેટિંગ સાથે પોતાના સર્વશ્રેષ્ઠ દેખાવ દ્વારા દસમા ક્રમે પહોંચી ગયો છે. આ સાથે જ ક્રિકેટની ત્રણેય ફોર્મેટ (વનડે, ટી20 અને ટેસ્ટ)માં રેન્કિંગમાં ટોપ 10માં સામેલ થનાર ચોથો ભારતીય બની ગયો છે. આ અગાઉ વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર ત્રણેય ફોર્મેટમાં ટોચના દસ ક્રમમાં સ્થાન મેળવી ચુક્યા છે. દરમિયાન ભારતીય ટેસ્ટ ટીમનો ઉપસુકાની અજિંક્ય રહાણે પોતાના સર્વશ્રેષ્ઠ પાંચમા સ્થાને પહોંચી ગયો છે.

રોહિતે તાજેતરમાં જ દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ત્રણ ટેસ્ટ મેચની સીરિઝમાં ઓપનર તરીકે પદાર્પણ કર્યું હતું. તેણે સીરિઝમાં સૌપ્રથમ બેવડી સદી ફટકારવા સાથે બે સદી પણ ફટકારી હતી. રોહિતે સમગ્ર સીરિઝમાં કુલ 529 રન કર્યા હતા. રોહિતના દમદાર પ્રદર્શનની મદદથી રેન્કિંગમાં 12 ક્રમનો ફાયદો થયો હતો. હાલમાં રોહિત વનડેમાં 863 રેટિંગ સાથે બીજા ક્રમે તેમજ ટી20માં 664 રેટિંગ સાથે સંયુક્ત રીતે સાતમા ક્રમે છે. ભારતીય બેટ્સમેન ચેતેશ્વર પૂજારા 795ના રેટિંગ સાથે ચોથા ક્રમે યથાવત્ રહ્યો છે.

દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ટેસ્ટ મેચ સીરિઝમાં રહાણેએ 216 રન કર્યા હતા. રાંચી ટેસ્ટમાં રહાણેએ સદી (116) ફટકારી હતી. સીરિઝમાં રોહિત પછી મયંક અગ્રવાલે સૌથી વધુ 340 રન કર્યા હતા. મયંકે એક બેવડી સદી પણ ફટકારી હતી. જેને પગલે તેને રેન્કિંગમાં ફાયદો થતા તે 18માં ક્રમે પહોંચ્યો છે.