ભારતીય ઓપનર રોહિત શર્માએ કોરોનાવાઇરસ સામે લડવા માટે 80 લાખ રૂપિયાનું દાન કર્યું છે. રોહિતે 80 લાખમાંથી 45 લાખ રૂપિયા PM-CARES ફંડ 25 લાખ રૂપિયા મહારાષ્ટ્ર સીએમ રિલીફ ફંડ અને 5-5 લાખ રૂપિયા ફિડિંગ ઇન્ડિયા અને વેલ્ફેર ઓફ સ્ટ્રીટ ડોગની સંસ્થાને આપ્યા છે.

રોહિતે ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપતા કહ્યું હતું કે, આપણી જરૂરત છે કે આપણો દેશ ફરીથી પોતાના પગ પર ઉભો થાય. મેં મારુ કર્તવ્ય નિભાવતા PM-CARES ફંડમાં 45 લાખ, મહારાષ્ટ્ર સીએમ રિલીફ ફંડમાં 25 લાખ અને 5-5 લાખ રૂપિયા ફિડિંગ ઇન્ડિયા અને વેલ્ફેર ઓફ સ્ટ્રીટ ડોગની સંસ્થાને ડોનેટ કર્યા છે.

રોહિત અગાઉ ઇન્ડિયન કેપ્ટન વિરાટ કોહલીએ પણ યોગદાન આપ્યું હતું. જોકે તેણે રકમ જાહેર કરી નહોતી. વિરાટે ટ્વીટ કર્યું હતું કે, અનુષ્કા અને હું- બંને PM-CARES ફંડ અને CM રિલીફ ફંડ (મહારાષ્ટ્ર)માં અમારું યોગદાન આપવા માટે શપથ લઈએ છીએ. મુશ્કેલીમાં રહેલા લોકોને જોઈને અમારું દિલ ભરાઈ આવ્યું છે અને અમે આશા કરીએ છીએ કે અમારું યોગદાન કોઈ રીતે આપણા સહ નાગરિકોનું દુઃખ હળવું કરશે.”

ઓલરાઉન્ડર સુરેશ રૈના અને પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે અનુક્રમે 52 અને 50 લાખ ડોનેટ કર્યા હતા. તેમજ સચિન તેંડુલકર અને સૌરવ ગાંગુલી બંનેએ પણ 50-50 લાખ રૂપિયા આપ્યા હતા.