પ્રશ્નઃ પબ્લિક – પ્રાઇવેટ પાર્ટનરશીપ મોડલ ઘણી બધી સમસ્યાઓના સંભવિત નિરાકરણ તરીકે મનાય છે. શું તમે આવા મોડલની ક્ષમતા સ્વીકારો છો?

સદગુરુઃ ચોક્કસ વિસ્તારો – ક્ષેત્રોમાં સરકારી માળખાની હાજરીમાં આવો વિચાર અવશ્ય સારો છે કારણ કે, સમાંતર માળખું ઊભું કરવામાં કોઇ બુદ્ધિશાળી કે વ્યવહારુ પગલું નથી. દૃષ્ટાંતરૂપે કહીએ તો ઇશા વિદ્યાના માધ્યમથી (ગ્રામિણ શિક્ષણ પહેલ) તામિળનાડુના દરેક તાલુકામાં આપણે એક શાળા બનાવી રહ્યા છીએ જે મોડલ સ્કૂલ બની રહેનારી છે. પરંતુ આ સર્વગ્રાહી નિરાકરણ નીવડી શકે નહીં કારણ કે કોઇપણ નવું માળખું ઊભું કરવાનું ભગીરથ કામ છે. આ જ કારણે તમિળનાડુ અને આંધ્ર પ્રદેશમાં આપણે સરકાર સાથે કામ કરીને 516 સરકારી શાળાઓ દત્તક લીધી છે.

સરકારી શાળામાં જમીન, શિક્ષકો વધારે કર્તવ્યનિષ્ઠ હોવાનું મારા ધ્યાનમાં આવ્યું છે. ગ્રામીણ શિક્ષણ પહેલના ભાગરૂપે વધારાના શિક્ષકોની સેવા મેળવવી તથા બાળકોને વધારાની પ્રવૃત્તિ સાથે સાંકળીને સ્વચ્છતા જાળવણીની પદ્ધતિ સ્થાપવા ઉપરાંત જરૂર પડે ત્યાં શિક્ષણ પ્રક્રિયા વધારી છે. માળખાકીય સવલતો અસ્તિત્વમાં હોવાથી કોઇ ભાર વેઠવાનો આવ્યો નથી. આમ પીપીપી (જાહેર – સરકારી અને ખાનગી ભાગીદારી) મોડલ અન્યત્ર પણ કારગત નીવડશે.
ઉચ્ચ શિક્ષણમાં કંપનીઓને પણ સાંકળી શકાય.

હાલમાં ભારતનું ઉચ્ચત્તર શિક્ષણ એ માત્ર નંબર ગેઇમ છે. આપણે પાંચ લાખ ઇજનેરો બનાવીએ તો છીએ પરંતુ તેમાંથી 50,000 ઇજનેરો પણ રોજગાર ઉપર રાખવાને પાત્ર નથી હોતાં. આવા ઇજનેરો લગ્નના બજાર પૂરતી જ ડિગ્રી મેળવતા હોય છે. વિશ્વના સૌથી મોટા ટ્રક ઉત્પાદકની એક ભારતીય ઓફિસમાં સંબોધન કરતાં મેં તેમને એન્જિનિયરીંગ કોલેજ સાથે સંકળાઇને બીજા જ વર્ષથી તાલીમ આપવા સૂચવ્યું હતું. આમ કરવાથી જે તે ઉત્પાદકની તમામ ટેકનિકલ જાણકારી જે તે વિદ્યાર્થીને મળે અને તેના દ્વારા વિદ્યાર્થીને ટેકનિકલ જાણકારી, કામકાજની સંસ્કૃતિ અને ગુણવત્તાના ધોરણો શિક્ષણકાળથી મળી રહે.

આમ થાય તો જે તે કંપની અને વિદ્યાર્થીને એકબીજાને પાત્ર માણસો અને કામ મળી રહે. ઉદ્યોગો શ્રેષ્ઠ કોલેજમાંથી ભરતીનો વિચાર કરતા હોય છે પરંતુ હોંશિયારી, નિપુણતા અને લાયકાત તો અન્યત્ર પણ હોય છે. તેમને પર્યાપ્ત તક મળતી નથી.પીપીપી મોડલ જે બીજા નોંધપાત્ર તંત્રમાં કામ કરી શકે તેમ છે તે ક્ષેત્ર બાળકોના પોષણ સંબંધિત છે. ભારતની સૌથી મોટી સમસ્યાઓ પૈકીની એક સમસ્યાનુસાર ચાર વર્ષ સુધીના બાળકોમાં પોષણનું પ્રમાણ અત્યંત ઓછું હોય છે.

તબીબી વિજ્ઞાન પણ ચાર વર્ષ સુધીના બાળકોમાં પોષણની માત્રા વધારવા કહે છે જેથી કરીને આ પછીના સમયમાં તમે ગમે તે કરો જે તે બાળકનો શારીરિક બાંધો અને મગજ પર્યાપ્ત વિકાસ પામી શકતા નથી. આ રીતે નાના બાળકનાં પહેલાં ચાર વર્ષ મહત્વનાં હોય છે. આ જ ઉદ્દેશથી અમે અમેરિકામાં એક જૂથ સાથે નાની વિટામીન ટ્યૂબ વિકસાવવા વાત કરી હતી. સ્વાદમાં મીઠી એવી વિટામીન ટ્યૂબ ચગળીને બાળક તેના વિકાસ માટે જરૂરી તમામ બારીકમાં બારીક પોષણ મેળવી શકે.

આવી નાની વિટામીન કેપ્સ્યૂલ મોંઘી પણ નથી હોતી. થોડા વર્ષો પૂર્વેના અંદાજ પ્રમાણે આવી કેપ્સ્યૂલ 27 પૈસાની પડતી હતી. બાળકને દરરોજ આવી કેપ્સ્યૂલ ના આપી શકાય તો અઠવાડિયામાં ત્રણ કેપ્સ્યૂલ આપવાથી પણ વધુ સ્વસ્થ માનવ સર્જન શક્ય છે.આજે ઓછામાં ઓછા 60 ટકા લોકો આપણાં ગામોમાં વસે છે અને તેમની શારીરિક વ્યવસ્થા તેના પૂર્ણ કદે વિકસી નથી. સામાન્યતઃ આપણે ગ્રામ્યજનને મજબૂત બાંધાવાળો જોયો છે પરંતુ આજે ગામડાના કોઇ 18 થી 20 વર્ષના યુવાનને જોઇએ તો તે દૂબળો – પાતળો લાગે છે. શારીરિક બાંધો તેના પૂર્ણ કદે ના વિકસ્યો હોય તો મગજ પણ અવશ્યપણે પૂર્ણકક્ષાએ વિકસતું નથી.

આપણે ઉતરતી ગુણવત્તાવાળો માનવ સમાજ પેદા કરી રહ્યા છીએ જે હોનારતરૂપ છે. આ હોનારત સુનામી કે ભૂકંપ જેવી ના હોવા છતાં ઝડપથી વધી રહી છે. આપણે માનવ સ્વાસ્થ્ય અને શિક્ષણ ક્ષેત્રે મોટા પાયે મૂડી રોકાણ નહીં કરીએ તો આપણે આ હોનારતને અનંત બનાવી દઇશું.માનવીને સારૂં કલ્યાણકારી જીવન જીવવા આરોગ્ય પોષણ અને શિક્ષણ અત્યંત મહત્વનાં અને બહુજરૂરી પરિબળો છે. આપણે આ મહત્વનાં ક્ષેત્રો ઉપર ધ્યાન નહીં આપીએ તો રાષ્ટ્રની આર્થિક મહત્વાકાંક્ષા અને જે આર્થિક પ્રગતિ આપણે અનુભવીએ છીએ તે નહીંવત થઇ શકે છે.

આ ક્ષેત્રો ઉપર અપાતું ધ્યાન કે રોકાણ એ કોઇ સખાવત નહીં પરંતુ ભાવિ પેઢી માટેનું મૂડીરોકાણ છે. આપણી આસપાસના લોકોની ક્ષમતા અને સ્પર્ધાત્મકતા વધારવાના સંદર્ભમાં આપણે કોઇ યોગદાન આપી શકીએ તો તે વધુ અસરકારક નીવડશે. ભવિષ્યમાં રોજગારપાત્ર માનવ સંસાધનસ્રોત શોધવો તે પણ મોટો પડકાર હશે ત્યારે બધા વેપાર-ધંધા ફૂલેફાલે તેવી સ્થિતિના નિર્માણ માટે આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે મૂડીરોકાણ આવશ્યક છે. એક કિસાન પણ નાળિયેરીના રોપા વાવી તેને વૃક્ષમાં પરિણમવા રાહ જોતો હોય છે. આથી જ ઉજ્જવળ ભવિષ્ય માટેનું આવું રોકાણ થવું જ રહ્યું.
– Isha Foundation