જગતમાં આપણે માત્ર સંપત્તિ સર્જનની જ નહીં પરંતુ સૌના કલ્યાણની ખેવના કે સુખાકારીના સર્જનની જરૂર છે. માનવજાતના કલ્યાણ માટે સંપત્તિ એક માધ્યમ કે સાધન છે પરંતુ સર્વસ્વ તો નથી જ, પરંતુ હાલમાં તમામ લોકો સંપત્તિ સર્જનને ધર્મની માફક ગણવા લાગ્યા છે. આપણે નાણાને ભગવાન બનાવી દીધા છે અને તેની પાછળ આંધળી દોટ લગાવી રહ્યા છીએ. નાણા એ માધ્યમ માત્ર છે તે તેના સ્વરૂપમાં અંત નથી. આપણી સગવડતા માટે નાણાનું સર્જન થયું હતું પરંતુ સંપત્તિ સર્જનની આંધળી દોટમાં આપણે જેમાં જીવી રહ્યા છે તે જગતનો કે સૃષ્ટિનો આપણે નાશ કરી રહ્યા છીએ. તમે કોઇ સેફ્ટી પીન, કાર, કોમ્પ્યુટર કે પછી અન્ય કાંઇ પણ બનાવતા હો, તમે તે સૃષ્ટિમાંથી જ ખોદીને બનાવો છો. કોઇ ને કોઇ તબક્કે તો તમારે તે નક્કી કરવું જ પડશે કે તમારે કેટલું ખોદવાનું છે કે પછી સૃષ્ટિ આ ભાર કેટલો સહન કરી શકશે. જો આ દિશામાં આપણે સભાનપણે નહીં વર્તીએ અને સંપત્તિ સર્જનની ઘેલછામાં આગળ વધતા જ રહીશું તો આપણે જગતનો કે સૃષ્ટિનો નાશ કરીશું તેમ પણ કદાચ બને, તેવા સંજોગોમાં માત્ર સંપત્તિ સર્જન વિષે વિચારવાના બદલે જો આપણે માનવ કલ્યાણની ખેવના કે સુખાકારી માટે વિચારીશું તો તે માટે જે કાંઇ જરૂરી થઇ પડશે તે આપણે કરીશું.
આપણે સૌ પહેલાં સંપત્તિ વિષેના આપણા વિચારોને સમજવા રહ્યા. સંપત્તિની વાત કરીએ વધુ ને વધુ બિલ્ડીંગો, વધુ ને વધુ મશીનો, કારો કે પછી અન્ય કાંઇ પણ? પરંતુ વધુ ને વધુ મૃત્યુ પણ છે, ખરું કે નહીં? આધુનિક જગતના સમૃદ્ધ સમાજની વાત કરીએ તો અમેરિકામાં 43 ટકા લોકો નિયમિતપણે એન્ટી ડિપ્રેશન્ટો ઉપર જીવી રહ્યા છે. જો આવી કોઇ દવાને બજારમાંથી ખેંચી લેવામાં આવે તો અડધો અડધ દેશ ચક્રમ કે ગાંડપણની હાલતમાં મુકાઇ જાય, આ સર્વકલ્યાણ તો અવશ્ય નથી જ. સામાન્યપણે વાત કરવામાં આવે તો અમેરિકન નાગરિક પાસે અન્યો જેનાં સ્વપ્નાં જુએ છે તે બધું જ છે પણ સ્વસ્થતા કે સુખાકારી નથી તો પછી તે સંપત્તિનું શું કરવાનું?
હું પશ્ચિમમાં જઇને પ્રશ્ન કરું કે તમે ધ્યાન કેમ નથી ધરતા? તો એક સર્વસામાન્ય જવાબ તેવો જ આવે કે, આટલા બધા બીલો ભરવામાંથી ઊંચા જ ક્યાં અવાય કે ધ્યાન ધરીએ? મેં તેમને કહ્યું કે, તમે આટલા બધા ખર્ચા કે બીલ ચુકવણીના ઉધામા કેમ કરો છો? જો તમારી જિંદગી જ આવી રીતે જવાની હો તો તમે ખર્ચા ઘટાડીને સારી રીતે કેમ જીવતા નથી? ભારેખમ ખર્ચાને પહોંચી વળવા કે બીલો ચૂકવવા તમે તનતોડ મહેનત કરતા જ રહો તો તેનો કોઇ મતલબ ખરો? આખો સમાજ આમ જ કરી રહ્યો છે. જો તમારામાં લેશમાત્ર સમજ હોય તો તમારી સાહજિકતા જેટલું જ કામ કરો કે ભાગદોડ કરો. એવું પણ બને કે કોઇ એક વ્યક્તિ લેશમાત્ર દબાણ વેઠ્યા વિના દિવસમાં હજાર કામ પણ કરી શકે, તેની સામે તમે દિવસમાં માત્ર ત્રણ કામો કરી શકો, અને તે બરાબર પણ છે. બીજું કોઇ વધારે કામ કરી શકે છે તે માટે થઇને તમે પણ વધારે કામ કરવા મથશો નહીં. આ સૌથી મોટી સમસ્યા બની રહેશે. આપણે અન્ય કોઇ કરે છે તેવું કરવા મથીએ છીએ.
બાહ્ય પરિસ્થિતિની વાત કરીએ તો બે માનવી એક સરખી ક્ષમતા, સામર્થ્ય કે શક્તિવાળા હોઇ શકે નહીં. તમારા પડોશી પાસે 100 બેડરૂમવાળું આલિશાન મકાન હોય અને તો પણ તેને કદાચ હોટેલમાં રહેવાનું પસંદ હોય, તમારે જાતે નક્કી કરવાનું છે કે સમારે તમારા પડોશીની માફક જ કામ કર્યે રાખવાનું છે કે પછી તે કરતો હોય તો પણ તમારે શું કરવાનું નથી.
અન્યોનું આંધળું અનુકરણ એ જીવન તરફનો ખોટો અભિગમ છે. આપણે આપણા જીવનમાં શું કરવું, શું ના કરવું તેનો નિર્ણય આપણે જાતે જ લેવાનો છે. આપણને કેટલી બાહ્ય પ્રવૃત્તિ કેટલી આંતરિક પ્રવૃત્તિ, સ્વકલ્યાણ કે સમાજકલ્યાણની કામગીરી આપણી જાત કે આસપાસની સૃષ્ટિનો નાશ કર્યા વિના આપણે કરી શકીએ કે કરી શકીશું તેનો નિર્ણય લેવો જરૂરી છે. જોકે, કમનસીબે આવી સમજ આ જગતમાં ગાયબ છે અને આપણે બધું જ આડેધડ કરી રહ્યા છીએ. આપણે જઇ રહ્યા છીએ તે માર્ગ મુર્ખામીભર્યો છે કારણ કે જગતે અપનાવેલી જીવનશૈલી ટકાઉ નથી. તે માત્ર પડી ભાંગે તેમ છે અને આપણે અઘરા માર્ગે પાઠ શીખવા પડશે.
આજે જગતમાં 7 બિલિયન લોકો જીવી રહ્યા છે. આવી સૌથી મોટી માનવ વસાહતના નિર્વાહમાં આ જગતના અન્ય ઘણા જીવો હવે અલભ્યની હાલતમાં પણ મૂકાયા છે. એક અંદાજ પ્રમાણે આગામી ચાર દાયકામાં કે 2050 સુધીમાં જગતની વસ્તી 0.5 બિલિયન થશે. આ સ્થિતિને આપણે આપણી જાતે જ સુધારવી પડશે અથવા કુદરતે તેની રીતે સુધારો કરવો પડશે. જો કુદરત આવો સુધારો કરવા જશે તો અત્યંત આકરો પણ હોઇ શકે, તેવા સંજોગોમાં સંપૂર્ણ સમજ સાથે જીવવું કે શાનભાન ગુમાવીને જીવવું છે તેની પસંદગી સમૃદ્ધિ કે ગરીબી વચ્ચેની નથી. આ પસંદગી તો આપણી જરૂરિયાતો નક્કી કરવાની અને જરૂરિયાતોને સમજપૂર્વક સંતોષવી કે આડેધડ આગળ ધપવું તે અંગેની નિર્ણયશક્તિ સંબંધિત છે.
– Isha Foundation