મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે શિવસેનાને સમર્થન આપવા પર સોમવારે કોંગ્રેસ અને રાકાંપાએ ટોચના નેતાઓની બેઠક બોલાવી. આ બધાની વચ્ચે શિવસેનાના એક માત્ર મંત્રી અરવિંદ સાવંતે મોદી કેબિનેટમાંથી રાજીનામું આપી દીધું છે. સમર્થનને લઈને સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં કાર્યસમિતિ કોઈ નિર્ણય લઈ શકી નથી. હવે કોંગ્રેસે રાજયના વરિષ્ઠ નેતાઓને ચર્ચા માટે 4 વાગે દિલ્હી બોલાવ્યા છે. રાકાંપા કોર કમિટીની બેઠક બાદ કહેવામાં આવ્યું છે કે અમારા ધારાસભ્યો સરકાર બનાવવાના પક્ષમાં છે, જોકે કોંગ્રેસ વગર કોઈ નિર્ણય લઈશું નહી.
ભાજપ-શિવસેના 30 વર્ષમાં બીજા વખત અલગ થઈ રહ્યાં છે. બંને પક્ષોની વચ્ચે 1989માં ગઠબંધન થયું હતું. 1990ની મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી બંને પક્ષો વચ્ચે લડાઈ હતી. 2014ની વિધાનસભાની ચૂંટણી પહેલા બંને પક્ષો અલગ થઈ ગયા હતા. બંને પક્ષોએ ચૂંટણી પણ અલગ લડી. જોકે, બાદમાં સરકારમાં બંને સાથે રહ્યાં.
સોમવારે મહારાષ્ટ્ર કોંગ્રેસના કેટલાક ધારસભ્યોએ રાજસ્થાનના અજમેરમાં આવેલી અજમેર શરીફની દર્ગાની મુલાકાત કરી હતી. જોકે તેમણે આ મુલાકાત બાદ કઈ પણ કહેવાથી ઈન્કાર કર્યો હતો. આજે સવારે કોંગ્રેસે રાજયની રાજકીય સ્થિતિની ચર્ચા કરવા માટે નેતાઓની મિટિંગ બોલાવી હતી. આ મિટિંગમાં મહારાષ્ટ્રની રાજકીય સ્થિતિની વિગતે ચર્ચા થઈ હતી. જોકે પક્ષના વિરિષ્ઠ નેતાઓની બેઠક વધુ ચર્ચા માટે સાંજે 4 વાગે બોલાવવામાં આવી છે. આ વિગત પક્ષના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખરગેએ મિટિંગ બાદ પત્રકારોને આપી હતી. મહારાષ્ટ્રમાં બીજેપી સરકાર બનાવવામાં નિષ્ફળ ગયા બાદ, રાજયપાલ ભગત સિંહ કોશિયારીએ શિવસેનાને તેમની સરકાર બનાવવા માટેની લાયકાત વિશે જણાવવા કહ્યું હતું.
બદલાઈ રહેલી સ્થિતિમાં શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકર મુખ્યમંત્રી બની શકે છે. અગાઉ તે તેમના પુત્ર આદિત્ય ઠાકરેને સીએમ બનાવવા માંગતા હતા. બીજી તરફ આ નવા ગઠબંધનમાં નાયબ-મુખ્યમંત્રીનું પદ રાકાંપાને જઈ શકે છે. જ્યારે કોંગ્રેસને વિધાનસભામાં સ્પીકર પદ મળી શકે છે. રાજ્યપાલે શિવસેનાને સંખ્યાબળ જણાવીને આજે સાંજે 7.30 વાગ્યા સુધીનો સમય આપ્યો છે. એવામાં ઉદ્ધવ પોતે સતાનું સમીકરણ બનાવવામાં પુરું જોર લગાવી રહ્યાં છે.