PTI Photo)

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે આજે વિધાનસભામાં બહુચર્ચિત નાગરિકતા સુધારણા બિલ રજૂ કર્યું છે. વિપક્ષના ભારે વિરોધ વચ્ચે બિલ ઉપલા ગૃહમાં રજૂ કરવામાં આવ્યું છે. અમિત શાહે બિલ રજૂ કરતા જણાવ્યું કે ભારતના મુસ્લિમોએ આ બિલથી ચિંતત થવાની જરૂર નથી. દેશના મુસ્લિમો ભારતીય છે અને રહેશે.

નાગરિકતા સુધારણા બિલમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી આવેલા બિનમુસ્લિમોને ભારતની નાગરિકતા આપવાની દરખાસ્ત કરવામાં આવી છે. અમિત શાહે ભારપૂર્વક જણાવ્યું હતું કે ઉપરોક્ત ત્રણ દેશોમાં લઘુમતિઓને સમાન અધિકાર પ્રાપ્ત નથી થતા. આ દેશોમાં લઘુમતિઓની વસતિમાં 20 ટકા જેટલો ઘટાડો થયો છે. તેમને છેદ ઉડાડી દેવામાં આવ્યો છે અથવા તેઓ ભારતમાં સ્થળાંતર કરવા મજબૂર બન્યા છે. આ લોકોને નોકરી અને શિક્ષણ જેવા અધિકારો પ્રાપ્ત નથી થઈ રહ્યા. કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલું નાગરિકતા સુધારણા બિલ આવા લોકોને નાગરિકતા પુરી પાડશે.

બિલ રજૂ કરાયા બાદ કોંગ્રેસ સહિતના વિપક્ષોએ ભારે હોબાળો કર્યો હતો અને બિલને ગેરબંધારણીય ગણાવ્યું હતું. કેટલાક પક્ષોએ આ બિલ રાજ્યસભાની પસંદગી સમિતિ સમક્ષ રજૂ કરવા દરખાસ્ત કરી હતી. બિલ પર વિસ્તાપૂર્વકની ચર્ચા બાદ નાગરિકતા સુધારણા બિલ અને વિપક્ષની દરખાસ્ત પર રાજ્યસભામાં મતદાન યોજાશે.

ભાજપે આ બિલને લઈને વિપક્ષના વોટબેન્કના રાજકારણન દાવાને ફગાવ્યો હતો અને જણાવ્યું હતું કે, ભાજપે 2019ની લોકસભા ચૂંટણીમાં પોતાના ચૂંટણી ઢંઢેરામાં આ પ્રકારનું બિલ લાવવાનો ઉદ્દેશ જણાવ્યો હતો અને અમને જનસમર્થન મળ્યું છે. આ બિલથી ભારતના મુસ્લિમોએ ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી તેઓ ભારતીય છે અને હંમેશા રહેશે તેમ ગૃહ મંત્રીએ ચર્ચા દરમિયાન જણાવ્યું હતું.

આ બિલમાં અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશમાંથી ભારતની આઝાદી પછી વસવાટ કરવા આવેલા બિનમુસ્લિમોને ભારતીય નાગરિકતા આપવાની વાત છે. કેન્દ્ર સરકાર આસામના નાગરિકોના હિતનું પણ રક્ષણ કરશે તેમ અમિત શાહે જણઆવ્યું હતું. પાડોશી દેશોમાંથી ભારતમાં માઈગ્રેટ થયેલા મુસ્લિમોને નાગરિકતા નહીં આપવાની બિલમાં જોગવાઈ છે જેને પગલે પૂર્વોત્તર રાજ્યો ખાસ કરીને આસામમાં ભારે વિરોધ થઈ રહ્યો છે અને ઘર્ષણના બનાવો પણ બન્યા છે. આસામમાં નાગરિકતા બિલને લઈને ભારે વિરોધ યથાવત્ છે.