નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં શાહીનબાગમાં પ્રદર્શનના કારણે 69 દિવસથી બંધ રસ્તો ખોલી દેવામાં આવ્યો છે. નોઈડા પોલીસે શુક્રવારે મહામાયા ફ્લાઈઓવર તરફ જતા રસ્તાના બેરિકેડિંગ હટાવી દીધા છે. આ રસ્તો નોઈડાથી ફરીદાબાદને જોડે છે. જોકે કાલિંદી કુંજથી ફરીદાબાદ જૈતપુર તરફ જતો રસ્તો પણ અત્યારે બંધ છે. ઓખલાના શાબીનબાગ વિસ્તારમાં CAAના વિરોધમાં હજારો પ્રદર્શનકારીઓ 15 ડિસેમ્બરથી રોડ ઉપર વિરોધ ધરણાં કરી રહ્યા છે.

તેનાથી નોઈડા અને ફરીદાબાદ તરફ જતા રસ્તા બંધ થઈ ગયા છે. પ્રદર્શનસ્થળની આસપાસ ઘણી દુકાનો બંધ છે. થોડા દિવસ પહેલાં સ્થાનિક નાગરિકો પ્રદર્શન વિરુદ્ધ રસ્તા પર આવી ગયા હતા. તેમણે ઝડપથી રસ્તો ખોલાવાની માંગણી કરી હતી. સુપ્રીમ કોર્ટના આદેશથી મધ્યસ્થીઓ છેલ્લા બે દિવસથી પ્રદર્શનકારીઓ સાથે વાતચીત કરી રહ્યા છે.

પરંતુ હજી સુધી પ્રદર્શનકારીઓ બીજી જગ્યાએ શિફ્ટ થવા માટે તૈયાર થયા નથી. શુક્રવારે પણ મધ્યસ્થીઓ ધરણાં પર બેઠેલા લોકોને મનાવવા જશે. મધ્યસ્થીઓએ પ્રદર્શનકારીઓને કહ્યું હતું કે, અમે ઈચ્છીએ છીએ કે શાહીનબાગમાં સામાન્ય જનતા માટે રસ્તો ખોલવામાં આવે . તેનો અર્થ એ નથી કે, તેનાથી તમારા ધરણાં ખતમ થઈ જશે.