બ્રાઝિલના રીઓ ડી જાનેરો ખાતે મંગળવારે પુરી થયેલી આઈએસએસએફ શૂટિંગ વર્લ્ડ કપ સ્પર્ધામાં છેલ્લા દિવસે ભારતના સ્ટાર શૂટર્સ મનુ ભાકેર અને સૌરભ ચૌધરીની જોડીએ 10 મીટર એર પિસ્ટલની મિક્સ્ડ ડબલ્સ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ મેળવી ભારતને પાંચ ગોલ્ડ અને કુલ 9 મેડલ સાથે પ્રથમ ક્રમે મુકી દીધું હતું.
આ પહેલા, 10 મીટર એર રાઇફલ મિક્સ્ડ ડબલ્સ ઇવેન્ટમાં વિશ્વની નંબર એક મહિલા શૂટર અપૂર્વી ચંદેલા અને દીપક કુમારે ભારત માટે ચોથો ગોલ્ડ હાંસલ કર્યો હતો. અંજુમ મુદગિલ અને દિવ્યાંશ સિંહ પવારે હંગેરીના ઇસ્તર મેસજારોસ અને પીટર સિદીની જોડીને 16-10થી હરાવીને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો.
આ રીતે ભારત જૂનિયર વિશ્વ કપ સહિત આ વર્ષે ચારેય ISSF (ઈન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ્સ ફેડરેશન) રાઇફલ/પિસ્તોલ વિશ્વ કપ સ્ટેજમાં અભૂતપૂર્વ પ્રદર્શન કરતા ટોપ પર રહ્યું હતું. ભારતે આ વર્ષે આઈએસએસએફ વિશ્વ કપની ચાર સિઝનમાં 22 મેડલ મેળવ્યા છે, જેમાં 16 ગોલ્ડનો સમાવેશ થાય છે.
શનિવારે ભારતની યશસ્વિની સિંઘ દેશવાલે 10 મીટર એર પિસ્ટલ ઈવેન્ટની ફાઈનલમાં 236.7 પોઈન્ટ્સ સાથે પ્રથમ સ્થાન સાથે ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો. પ્રથમ ક્રમે રહી ચૂકેલી, ભૂતપૂર્વ ઓલિમ્પિક તથા વર્લ્ડ ચેમ્પિયન યુક્રેનની ઓલેના કોસ્તેવિચને 1.9 પોઈન્ટના માર્જીનથી હરાવી યશસ્વિનીએ આ સિદ્ધિ મેળવી હતી.
ગુજરાતની ઈલાવેનિલ વાલારિવ અને અભિષેક વર્માએ પણ ગોલ્ડ મેડલ મેળવ્યા હતા. યશસ્વિની અગાઉ જુનિયર લેવલે વર્લ્ડ ચેમ્પિયન રહી ચૂકી છે. આ ઈવેન્ટમાં ભારતની અનુ રાજ સિંઘ, શ્વેતા સિંઘ અને માનુ ભાકેર પણ રેસમાં હતા. તે અગાઉ, ગુરૂવારે (29 ઓગસ્ટ) ઈલાવેનિલ વાલારિવ 10 મીટર એર રાઈફલમાં 251.7 ના સ્કોર સાથે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. બીજા ક્રમે સિલ્વર મેડલ બ્રિટનની સેઓનાડ સીન્ટોસને 250.6 પોઈન્ટ મળ્યા હતા.
ગોલ્ડ મેડલ મળ્યા છતાં ઈલાવેનિલને ઓલિમ્પિકની ટિકિટ મળી નથી કારણ કે અપૂર્વી અને અંજુમ અગાઉ જ આ ઈવેન્ટમાં ઓલિમ્પિકમાં ક્વોલિફાય થઈ ગઈ છે. આઇએસએસએફના નિયમ અનુસાર એક ઈવેન્ટમાં એક જ દેશના માત્ર બે શૂટર્સને ઓલિમ્પિકમાં પ્રવેશ આપવામાં આવે છે.
તો 10 મીટર એર પિસ્ટલ ઈવેન્ટમાં ભારતના અભિષેક વર્માએ ગોલ્ડ મેડલ તથા યુવા નિશાનેબાજ સૌરભ ચૌધરીએ બ્રોંઝ મેડલ મેળવી ટોક્યો ઓલિમ્પિક્સમાં પોતાના સ્થાન નિશ્ચિત કર્યા હતા.
સંજીવ રાજપુતે ૫૦ મીટર રાઈફલ થ્રી પોઝિશન ઈવેન્ટમાં સિલ્વર મેડલ મેળવી આવતા વર્ષના ટોકિયો ઓલિમ્પિકમાં સ્થાન નિશ્ચિત કર્યું હતું.