સિક્કિમની મુખ્ય પાર્ટી સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટ (SDF)ના 10 ધારાસભ્યો મંગળવારે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)માં સામેલ થઈ ગયા. પૂર્વ મુખ્યમંત્રી પવન કુમાર ચામલિંગ સહિત 4 અન્ય ધારાસભ્યોને બાદ કરતાં બાકીના તામામ ધારાસભ્યોએ દિલ્હી આવીને ભાજપનું સભ્યપદ લીધું. ભાજપના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા અને મહાસચિવ રામ માધવે તેમને પાર્ટીનું સભ્યપદ અપાવ્યું. સિક્કિમમાં ભાજપ હજુ સુધી પોતાનું ખાતું નહોતું ખોલાવી શક્યું, પરંતુ એસડીએફના 10 ધારાસભ્યો પાર્ટીમાં જોડાતા ભાજપની તાકાત વધી ગઈ છે.

સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટે સિક્કિમમાં 25 વર્ષ સુધી શાસન કર્યુ. સિક્કિમ વિધાનસભા ચૂંટણી 2019માં પવન કુમાર ચામલિંગની પાર્ટી એસડીએફના 15 ધારાસભ્યો જીત્યા હતા. બીજી તરફ, ભાજપ એક સીટ પણ જીતી નહોતું શક્યું. પરંતુ એસડીએફના 15માંથી 10 ધારાસભ્યો પાર્ટીમાં જોડાતા ભાજપ એક જ ઝાટકે ઝીરોમાંથી 10 થઈ ગઈ છે.પવન ચામલિંગે 1933માં એસડીએફની રચના કરી હતી. પાર્ટીએ ત્યારબાદથી 1994, 1999, 2004, 2009, 2014ની વિધાનસભા ચૂંટણીમાં પૂર્ણ બુહમતથી સરકાર બનાવી. જોકે, 2019માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં એસડીએફને હારનો સામનો કરવો પડ્યો. રાજ્યમાં સિક્કિમ ક્રાંતિકારી મોર્ચા (એસકેએમ)ની સરકાર છે. પ્રેમ સિંહ તમાંગ મુખ્યમંત્રી છે.

ભાજપમાં સામેલ થયા બાદ ધારાસભ્ય દોરજી સેરિંગે જણાવ્યું, ‘આ વર્ષે સિક્કિસ વિધાનસભા ચૂંટણીમાં એસડીએફે 15 સીટો જીતી હતી. હજુ ત્રણ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી થવાની છે તેના માટે અમે કામ કરીશું. સિક્કિમના ઈતિહાસમાં પહેલીવાર આવું થયું છે કે આટલી મોટી સંખ્યામાં ધારાસભ્યો સામેલ થઈ રહ્યા છે. મોદીજીની નોર્થ ઈસ્ટ પોલિસીને યુવા પસંદ કરી રહ્યા છે. તેથી અમે ઈચ્છીએ છીએ કે સિક્કિમમાં કમળ ખિલે. જ્યાં સુધી રાષ્ટ્રીય પાર્ટી સિક્કિમમાં કામ નહીં કરે ત્યાં સુધી કંઈ નહીં થઈ શકે. જમ્મુ-કાશ્મીરમાં જે થયું તેનાથી સિક્કિમના લોકો ખૂબ પ્રભાવિત છે.’

પહેલા એવી ચર્ચા હતી કે 15થી 14 ધારાસભ્યોને સામેલ થશે પરંતુ હવે 10 ધારાસભ્યોએ ભાજપમાં જોડાયા છે. આ પાર્ટીના નેતા પવન ચામલિંગ 25 વર્ષ સુધી સતત મુખ્યમંત્રી રહ્યા છે. દેશમાં સૌથી લાંબો સમય મુખ્યમંત્રી પદ સંભાળનારા રાજનેતાઓમાં સામેલ પવન ચામલિંગની પાર્ટી આ વર્ષે લોકસભા ચૂંટણીની સાથે યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં 32 સીટોવાળી રાજ્યમાં બહુમત ન મેળવી શક્યા અને 15 ધારાસભ્યો સાથે વિપક્ષમાં બેઠા હતા. ચૂંટણીમાં સિક્કિમ ક્રાંતિકારી મોર્ચાને 17 સીટો જીતી હતી અને પ્રેમ સિંહ તમાંગ મુખ્યમંત્રી બન્યા હતા.