અમદાવાદના નિત્યાનંદના આશ્રમમાં કથિત રીતે ગોંધી રખાયેલી પોતાની પુત્રીને મળવા માટે છેલ્લા ત્રણ દિવસથી મથામણ કરી રહેલા બેંગાલુરુના પરિવારને આશ્રમ સંચાલકોએ મળવા દીધા નથી.આ મામલે પોતાનો પક્ષ રાખતા સ્વામી નિત્યાનંદે ટ્વિટર પર એક વીડિયો પોસ્ટ કરી જણાવ્યું છે કે અમારા અનુયાયીઓ શ્રેષ્ઠ છે પણ ગુજરાતમાં અમને ટાર્ગેટ કરવામાં આવી રહ્યાં છે. હું પહેલા તમને મારું સ્ટેન્ડ કહી દઉં, જે કોઈ મારા પર હુમલો કરે છે તે સિક્રેટ જાણે છે કે, જો મારા ભક્તોને શિકાર બનાવવામાં આવશે તો હું સમાધાન કરી લઈશ.

તેઓ જાણે છે કે જો તેમના ભક્તોને નિશાન બનાવાશે તો હું ઝુકી જઈશ. તેમણે મને ઝુકાવવા એક વ્યૂહ અપનાવ્યો છે. પરંતુ હું ઝુકવાનો નથી. મારા ગુજરાતના ભક્તો શિસ્તબદ્ધ, સત્યનિષ્ઠ અને અસાધારણ ભક્તો છે. મારા ગુજરાતના ભક્તો શ્રેષ્ઠ છે, હું તેમનું નામ લેવા માગતો નથી. તેમની મારા પ્રત્યેની વફાદારી છે. આ પ્રકારની સ્થિતિમાં પણ મારી રીતે મજબૂત રીતે ઉભા છે. મીડિયા દ્વારા તેને અલગ અલગ એંગલથી નિશાન બનાવવામાં આવી રહ્યા છે. હું મારા ગુજરાતના ભક્તોનો ખૂબ ખૂબ આભારી છું.

મીડિયા તેમને નિશાન ન બનાવે તે માટે હું તેના નામ આપીશ નહીં. પરંતુ હું ભક્તોની હેરાનગતિ જોઈ શકું નહીં.અમને અન્ન, રહેઠાણ સહિત તમામ મદદ કરવા બદલ હું ગુજરાતના ભક્તોનો આભારી છું.પોલીસે નિત્યાનંદ અંગેની માહિતી મેળવવા તજવીજ હાથ ધરી છે. આ અંગે કર્ણાટક અને તમિલનાડુ પોલીસ પાસે માહિતી માગી છે. જો કે નિત્યાનંદ હાલ વિદેશમાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે.નિત્યાનંદિતાની તપાસ માટે સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમ(SIT) ની રચના કરી હતી.

તેમજ આજે સીટની ટીમે શંકાસ્પદ ગતિવિધિઓને લઈ આશ્રમમાં તપાસ શરૂ કરી છે. જ્યારે નિત્યાનંદિતાની જ્યાં શંકાસ્પદ અવર-જવર રહેતી હતી તેવી પુષ્પક સિટીમાંથી નિત્યાનંદિતાની વસ્તુઓ જપ્ત કરી છે. આ ઉપરાંત રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ એસપી રાજેન્દ્ર અસારી અને આઈજી એ.કે.જાડેજાને ગાંધીનગર બોલાવી તપાસ કામગીરી અંગે માહિતી મેળવી હતી. તેમજ બન્ને યુવતીઓને તાત્કાલિક શોધવા સૂચના પણ આપી હતી.