જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં સીઝનની પહેલી બરફવર્ષા થઈ છે.આ રાજ્યોમાં પહાડો પર હાલમાં પણ ભારે બરફ પડી રહ્યો છે.જેનાથી લોકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.

લોકોને અવર જવર કરવામાં મુશ્કેલી આવી રહી છે.શ્રીનગરમાં ટેલિફોન સેવાઓ ઠપ થઈ ગઈ છે.બીજી તરફ પર્યટકો બરફવર્ષા જોઈને ખુશખુશાલ છે.કાશ્મીરમાં ટુરિસ્ટ સ્પોટ ગુલમર્ગ પર બે ફૂટ જેટલો બરફ પડ્યો છે.

હવામાન વિભાગે મંગળવારે જ આગાહી કરી હતી કે, 5 થી 8 નવેમ્બર સુધી કાશ્મીર અને લદ્દાખમાં સ્નોફોલ થઈ શકે છે.બરફ વર્ષાના પગલે તાપમાનમાં ઘટાડો થયો છે.કાશ્મીર ખીણમાં ઠંડીનુ મોજુ ફરી વળ્યુ છે.જમ્મુમાં કટરામાં વરસાદના પગલે તાપમાનનો પારો ગગડી ચુક્યો છે.ગુલમર્ગમાં તાપમાન માઈનસ 2.2 ડિગ્રી સુધી નોંધાયુ છે.

હિમાચલમાં રોહતાંગમાં પણ બરફવર્ષા થઈ છે.રાજ્યના શિમલા સહિતના મોટાભાગા શહેરોમાં તાપમાનનો પારો ગગડ્યો છે.શિમલામાં 7.6 ડિગ્રી અને મનાલીમાં તાપમાન 2.8 ડિગ્રી નોંધાયુ હતુ. ઉત્તરાખંડમાં ગંગોત્રીમાં સિઝનની પહેલી બરફવર્ષા થઈ હતી.બદરીનાથ અને હેમકુંડ સાહેબમાં પણ બરફ પડ્યો છે.