(Photo credit should read BEN STANSALL/AFP/Getty Images)

કોરોનાવાયરસ રોગચાળો સ્પેનમાં ફરીથી વ્યાપક બનતા યુકે દ્વારા સ્પેનથી આવનારા લોકો પર વધુ ‘પ્રતિબંધો’ લાદવામાં આવશે. સ્પેનની સાથે અન્ય દેશોની મુસાફરી કરનારા લોકો પર ક્વોરેન્ટાઇનનાં પગલાં લાગુ થઈ શકે છે. સરકારે તા. 26, રવિવારની મધ્યરાત્રિથી સ્પેનથી યુકેમાં પાછા ફરતા કોઈપણ વ્યક્તિને 14 દિવસ માટે સેલ્ફ આઇસોલેટ થવું પડશે. જો કે તે સમય ઘટાડીને 10 દિવસનો કરવા માંગ ઉઠી છે.

સ્પેનના મેડ્રિડથી એક ફ્લાઇટ રવિવારે હિથ્રો એરપોર્ટ પર આવી પહોંચી હતી. જે મુસાફરોને 14 દિવસના ક્વોરેન્ટાઇન પર રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. હોલીડે પર જનારા લોકોને ચેતવણી આપવામાં આવી છે કે કોરોનાવાયરસનો ફેલાવો રોકવા માટે સરકાર સ્પેન અને અન્ય દેશોમાં જતા લોકો પર અચાનક પ્રતિબંધો લગાવી શકે છે અને જરૂર પડે તેમના પર ક્વોરેન્ટાઇન પગલાનો અમલ કરી શકાય છે. બની શકે છે કે મુસાફરોને વધુ ચેતવણી આપવામાં ન પણ આવે.

ફોરેન સેક્રેટરી ડોમિનિક રાબે જણાવ્યું હતું કે ‘’સ્પેનનાં રોગચાળાના ડેટા દેશભરમાં ચેપનો વધારો દર્શાવે છે ત્યારે સરકારે ઝડપી અને નિર્ણાયક પગલાં લેવા પડ્યા છે. અન્યથા યુકેમાં વધારે લોકોને રિઇન્ફેક્શનનું જોખમ રહેશે અને સંભવત: અહીં રોગચાળાનો બીજો ઉથલો આવે અને તે પછી ફરીથી લોકડાઉન કરવુ પડે. હા, હું સમજું છું કે હોલીડે પર જનારા કે ગયેલા લોકો માટે વિક્ષેપજનક છે. પણ યુકેને સુરક્ષિત રાખવા માટે આપણે ઝડપી અને નિર્ણાયક પગલા ભરવા પડશે.”

સ્પેનથી પરત ફરતા મુસાફરો પરના પ્રતિબંધોએ ઉનાળાની રજાઓની યોજનાઓ બનાવતા બ્રિટિશ પ્રવાસીઓને ગમગીનીમાં નાખી દીધા હતા અને અન્ય યુરોપિયન દેશોમાં મુસાફરી કરનારા લોકોમાં પણ ભય ઉભો કર્યો હતો. યુરોપના અન્ય દેશોમાંથી આવતા મુસાફરો પર પણ એક જ ક્ષણમાં સૂચના આપી પ્રતિબંધો લાદવામાં આવી શકે છે. જો કે અન્ય યુરોપિયન દેશો સાથે “એર બ્રિજ” રદ કરવાની કોઈ યોજના નથી.

લેબર દ્વારા આ નિર્ણયની આલોચના કરવામાં આવી હતી અને જણાવાયું હતું કે આવી ટૂંકી સૂચનાથી પ્રવાસીઓમાં ગભરાટ ફેલાશે. ટ્રાન્સપોર્ટ સેક્રેટરી ગ્રાન્ટ શેપ્સ અને લંડન અને સ્મોલ બિઝનેસ મિનીસ્ટર પોલ સ્ક્લી પણ સ્પેનમાં હતા.

સ્પેનનાં વડા પ્રધાન પેડ્રો સાંચેઝે જણાવ્યું હતું કે ‘’યુકે સરકારનુ આ પગલુ ભૂલભરેલુ છે અને બ્રિટને સ્પેનના પર્યટનને પુનર્જીવિત કરવાની આશાઓને નવો ઝટકો આપ્યો છે. મોટાભાગના સ્પેનમાં, આ રોગની સંભાવના યુકેમાં નોંધાયેલા કેસો કરતાં પણ ઓછી છે. તેમ છતાં, બંને ટીમો સંપર્કમાં છે અને મેડ્રિડ બ્રિટિશ સરકારને પોતાનો વિચાર બદલવા માટે મનાવવાનો પ્રયાસ કરી રહી છે.”

સ્પેનની હાર્ડ-હિટ હોટલોએ વિદેશી પ્રવાસીઓને આકર્ષવા કોરોનાવાયરસ ટેસ્ટના નાણાં ચૂકવવાની ઓફર કરી હતી. આરોગ્ય મંત્રાલયે સપ્તાહના અંતમાં 6,361 નવા કેસ નોંધ્યા હતા અને કહ્યું હતું કે તે દેશભરમાં 361 ક્લસ્ટરો પર નજર રાખી રહ્યું છે.

દરમિયાનમાં યુરોપની સૌથી મોટી હોલીડે ટૂર ઓપરેટર Tui એ બ્રિટનના લોકોની મેઇનલેન્ડ સ્પેનના રવિવાર તા. 9 ઓગસ્ટ સુધીના તમામ બધા હોલીડે બુકિંગ યુકેના ક્વોરેન્ટાઇન કરવાના નિયમોને કારણે રદ કર્યા છે. જોકે જે લોકો બેલેરીક આઇલેન્ડ્સ અને કેનેરી આઇલેન્ડ્સની મુસાફરીની ઇચ્છા રાખે છે તેઓ સોમવાર તા. 27 જુલાઇથી યોજના મુજબ મુસાફરી કરી શકશે.”

બ્રિટિશ એરવેઝ અને ઇઝિજેટે યુકે સરકારના આ નિર્ણયની આકરી ટીકા કરતાં કહ્યું છે કે તેઓ અલગ અલગ નિયમો હોવા છતાં તેમની ફ્લાઇટ્સનું સંચાલન ચાલુ રાખશે.

ડાર્ટ ગ્રૂપની માલિકીની બજેટ એરલાઇન્સ જેટ2.કોમે અગાઉ ચાર સ્થળોએ ફ્લાઇટ્સ રદ કર્યા પછી, મંગળવાર તા. 28થી સ્પેનના 10 સ્થળો મેઇનલેન્ડ સ્પેન, બેલેરીક અને કેનેરી આઇલેન્ડ્સ, ટેનેરીફ, ફુરટેવેન્ટુરા, ગ્રાન કેનેરિયા, લૉન્ઝોરોટ, મેઓર્કા, મિનોર્કા અને આઇબીફાની બ્રિટનથી ઉપડતી બધી ફ્લાઇટ્સ રદ કરવાની જાહેરાત કરી હતી. જો કે તે સ્થળોથી યુકે પરત આવનારી સુનિશ્ચિત ફ્લાઇટ્સ કાર્યરત રહેશે. તેમણે બ્રિટનથી પોર્ટુગલના ફારો સુધીની ફ્લાઇટ્સ પણ ઑગસ્ટ 16 સુધી સ્થગિત કરી છે.