બીસીસીઆઇના ભૂતપૂર્વ અધ્યક્ષ એન શ્રીનિવાસનની પુત્રી અને ઈન્ડિયામાં બહુ વગોવાયેલા આઈપીએલના મેચ ફિક્સિંગ કાંડના મુખ્ય આરોપીઓમાંના એક, ગુરૂનાથ મૈયપ્પનની પત્ની રુપા ગુરુનાથ તામિલનાડુ ક્રિકેટ એસોસિયેશન (ટીએનસીએ)ની અધ્યક્ષા બની છે. દેશના કોઇપણ ક્રિકેટ એસોસિયેશનમાં મહિલા અધ્યક્ષા બને તેવો આ પ્રથમ કિસ્સો છે.
ગુરૂવારે (26 સપ્ટેમ્બર) મળેલી ટીએનસીએની 87મી વાર્ષિક સામાન્ય સભામાં સર્વાનુમતે આ નિર્ણય લેવાયો હતો. જો કે રુપા ગુરુનાથ ટીએનસીએની અધ્યક્ષા બન્યાની ઔપચારિક જાહેરાત કરાઇ નહોતી. સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ આ પસંદગી થઇ હતી.
ટીએેનસીએની ચૂંટણીનો મામલો હાલ સુપ્રીમ કોર્ટમાં છે. સુપ્રીમ કોર્ટે ચૂંટણી કરવાની છૂટ એક શરતે આપી હતી કે ચૂંટણીનાં પરિણામ સુપ્રીમ કોર્ટની બહાલી પછી જાહેર કરવાના રહેશે.
બુધવારે ઉમેદવારી પત્રકો ભરવાનો છેલ્લો દિવસ હતો, રુપાએ છેલ્લા દિવસે જ પોતાનું ઉમેદવારી પત્રક ભર્યું હતું અને એની સામે કોઇ પ્રતિસ્પર્ધી ન હોવાથી એ બિનહરીફ ચૂંટાઇ હતી.