ઉન્નાવ રેપ પીડિતાના મોત બાદ રાજકારણ ગરમાયું છે. ભાજપના નેતા સુબ્રમણ્યન સ્વામીએ બળાત્કાર અંગે મોટું નિવેદન આપ્યું છે. તેમણે બળાત્કાર માટે ભ્રષ્ટ નેતાઓને જવાબદાર ગણાવ્યા છે. તેમણે જણાવ્યું છે કે, ભ્રષ્ટ નેતાઓની રક્ષા કરવાને કારણે બળાત્કારની ઘટનાઓ વધી રહી છે. સ્વામીએ રવિવારે ટ્વીટ કર્યું હતું કે, રેપની વધી રહેલા ઘટનાઓ માટે સહિષ્ણુતા જવાબદાર છે. કોઇ રાજકીય નેતાએ રેપ કે પછી હત્યા કરી છે અને પ્રાથમિક રિપોર્ટમાં આ વાત સાબિત થઈ જાય તો તેની વિરુદ્ધ કાર્યવાહી થવી જોઇએ. હાલમાં જ દેશમાં બળાત્કારની અનેક ઘટનાઓ સામે આવી છે. તેલંગાણામાં વેટરનરી ડોક્ટરને જીવતી સળગાવી દેવામાં આવી હતી. આ ઉપરાંત ઉત્તર પ્રદેશમાં પણ રેપ પીડિતાને પણ જીવતી સળગાવવાની ઘટનાઓ સામે આવી હતી. સમગ્ર દેશમાં રેપની ઘટનાઓ અંગે આક્રોશ જોવા મળી રહ્યો છે અને અનેક રાજ્યોમાં વિરોધ પ્રદર્શન પણ થઇ રહ્યા છે.