જમ્મુ કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદ લગાવવામાં આવેલા પ્રતિબંધ હટાવી લેવા મામલે સુપ્રીમ કોર્ટે મહત્વનો ચૂકાદો આપ્યો છે. હાલમાં આ પ્રતિબંધ હટાવી લેવા મામલે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ ઇનકાર કર્યો અને કહ્યું કે, આ મામલો સંવેદનશીલ છે અને આ સંજોગોમાં સ્થિતિ સામાન્ય થાય ત્યાં સુધી રાહ જોવી જોઇએ. અહીં સ્થિતિ સામાન્ય થાય એ માટે સમય આપવો જોઇએ. કોર્ટ પ્રશાસનની દરેક બાબતોમાં હસ્તક્ષેપ ન કરી શકે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, સરકાર રોજીંદી સ્થિતિની સમીક્ષા કરી રહી છે અને આ સંજોગોમાં સ્થિતિ સામાન્ય થાય એની રાહ જોવી જોઇએ. જો આવું જ રહ્યું તો તમે જણાવી શકો છે અને એ વખતે ફરી વિચારણા કરવામાં આવશે. હાલ પુરતી સુનાવણી 2 સપ્તાહ સુધી ટાળી દેવામાં આવી છે. સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે કહ્યું કે, અમે સ્થિતિની રોજ સમીક્ષા કરી રહ્યા છીએ અને માનવાધિકારનું કોઇ હનન નથી થઇ રહ્યું.
જમ્મુ કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવ્યા બાદ રાજ્યમાં પ્રતિબંધ અને કરફ્યૂ હટાવવા અને સંચાર સેવા યથાવત કરવાની માંગ સાથે અપીલ કરવામાં આવી છે. જે મામલે સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે AG કોર્ટને પુછ્યું અને કે હજુ કેટલા દિવસ સુધી પ્રતિબંધ રહેવાનો છે? આ અંગે એટર્ની જનરલે કહ્યું કે, સરકાર પળે પળની પરિસ્થિતિ પર નજર રાખી રહી છે. વર્ષ 2016માં આ પ્રકારની સ્થિતિ થાળે પડતાં 3 મહિનાનો સમય લાગ્યો હતો. સરકારનો પ્રયાસ છે કે જલ્દીથી સ્થિતિ પર કાબુ મેળવવામાં આવે અને જનજીવન પુન: યથાવત થાય.