સિંગાપોરના ટેમાસેક ફાઉન્ડેશન દ્વારા સીટી ડેવલોપમેન્ટ માટે શહેરોને સુવિધાઓ ઉભી કરવા માટે આર્થિક સહાય મળી રહે તે માટે એશિયાના શહેરો પાસે અરજીઓ મંગાવવામાં આવી હતી. આ અરજીઓમાં એક સુરતમાંથી પણ મોકલવામા આવી હતી. એશિયાના 30 રિઝિલિયન્સ શહેરોમાંથી વિશ્વના જે 8 સિટીની પસંદગી થઈ છે તેમાં એક સુરત શહેર પણ છે. આ યાદીમાં સુરત શહેરની પસંદગી થતાં હવે પાલિકાને હવા, જમીન અને પાણીના પર્યાવરણલક્ષી 30 હજાર કરોડના પ્રોજેક્ટ માટે ટેક્નિકલી અને ફન્ડિંગની મદદ વિશ્વમાંથી પ્રાપ્ત થઈ શકશે.

આમ સુરતને મોટી રકમની નાણાકીય સહાયનો માર્ગ મોકળો થતાં સુરતનો વિકાસ રોકેટ ગતિએ થશે. પાલિકા કમિશનર બંછાનિધિ પાનીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, એશિયામાંથી સુરતની પસંદગી થઈ છે. શહેરને ઘણો ફાયદો મળશે. રિઝિલિયન્સ અને લિવેબલ સિટી માટે ફન્ડિંગની જરૂરિયાત હોય તેના માટે સિંગાપોરની અર્બન ગવર્નન્સ માટેની ટેમાસેક ફાઉન્ડેશન સંસ્થા ફંડિંગ અને ટેક્નિકલી મદદ કરશે.

સુરત પાલિકા ભવિષ્યમાં જે 30 હજાર કરોડના પ્રોજેક્ટો માટે ઇન્વેસ્ટમેન્ટ કરી રહી છે તેના માટે જે ટેક્નિકલ સપોર્ટ તથા મોટા પ્રોજેક્ટો હોય તેના માટે જરૂરી તમામ મદદ કરશે. તાપી શુદ્ધિકરણ, ક્લિન એર, રીસાઇકલ વોટર, પર્યાવરણના પ્રત્યેક પ્રોજેક્ટ અંગે જરૂરિયાત દર્શાવી સંકલનમાં રહીને કેવી રીતે વિશ્વમાંથી ફંડિંગ એરેજમેન્ટ કરી શકાય તેની માહિતી, ફંડિંગ અને ટેક્નિકલી મદદ મળી રહેશે.

જેમાં, યુનાઇટેડનેશનની સંસ્થાઓ, ગવર્નમેન્ટ સંસ્થાઓ, અન્ય દેશની ગવર્નમેન્ટ ફંડિંગ કરે એ માટે ટેમાસેક ફાઉન્ડેશન આયોજન કરશે. વિશ્વમાં પ્રોજેક્ટ ફાઇનાન્સ કેવી રીતે મેળવી શકાય તે માટે સુરતની પસંદગી થઈ છે. આ માટેની ટ્રેનિંગ માટે કમિશનર બંછાનિધિ પાની, મેયર ડો. જગદીશ પટેલ, સ્થાયી ચેરમેન અનિલ ગોપલાણી અને સાર્વજનિક એજ્યુકેશન ટ્રસ્ટ ચેરમેન કમલેશ યાજ્ઞિકની ટીમની પસંદગી થઈ છે.