રાજ્ય સરકાર દ્વારા સુરત શહેરના બે વિસ્તારને ક્લસ્ટર જાહેર કરાયા છે. જેમાં રાંદેર અને બેગમપુરા વિસ્તારનો સમાવેશ થાય છે. હાલ આ બંને વિસ્તારના 97 હજારથી વધુ લોકો ઘરમાં બંધ છે. આ બંને વિસ્તારમાંથી બહાર જવા અને બહારથી આવતા લોકોને પ્રવેશ કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે. આ સાથે જ બેરિકેટ લગાવી બંને વિસ્તારને કોર્ડન કરી પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે.

રાંદેરમાં સાત પોઝિટિવ કેસ મળતા ધનમોરા કોમ્પલેક્સથી ડભોલી બ્રિજ સુધી સમગ્ર વિસ્તારના સ્થાનિકોને હવે કોરોનાનો સાચા ભય અહેસાસ થવા લાગ્યો છે. અગાઉ રાંદેર ગામને માસ ક્વોરન્ટીન કરાયો હતો ત્યારે હવે રાંદેરને ક્લસ્ટર કન્ટેનમેન્ટ હેઠળ આવરી લેવાતા સમગ્ર ત્રણ કિમીના વિસ્તારમાં રહેતા 88 હજારથી વધુ લોકોના વિસ્તારમાં સન્નાટો વ્યાપી ગયો છે.

આ વિસ્તારમાં અગાઉ જે સામાન્ય અવરજવર હતી તે જાણે આજથી બંધ થઈ ગઈ છે. પાલિકાએ અને પોલીસે બેરિકેટ અને ક્વોરન્ટીન અંગેના બોર્ડ લગાવી દીધા છે. અલબત્ત, કરિણાયા અને દુધ જેવી જરૂરિયાતની ચીજવસ્તુઓ મળી રહી છે. જોકે, શાકભાજીની ભારે અછત છે. પાલનપુર પાટિયા અને રાંદેર ગામનું શાકભાજી માર્કેટ બંધ થઈ ગયું છે. એટલે છુટક લારીવાલાઓ આવે તો લોકો શાકભાજી ખરીદી લે છે.

રાંદેર વિસ્તારામાં મોટાભાગની વસ્તી મુસ્લિમોની છે અને ત્રણ કિલોમીટરના આ સમગ્ર એરિયામાં અંદાજે 50 જેટલી મસ્જિદો બંધ છે. ગોરાટ રોડ પર રહેતા લોકોએ જણાવ્યું હતું કે, સમગ્ર વિસ્તારના લોકો ઘરમાં જ રહે એ જરૂરી છે. જો કોરોના આપણા ઘરમાં આવી જશે તો નુકશાનની ભરપાઈ થઈ શકશે નહીં. રાંદેર રોડ પર વધુ કેસ આવી રહ્યા છે એટલે ચિંતાની વાત તો છે જ.

ઝાંપાબજાર-બેગમપુરા વિસ્તાર ક્લસ્ટર કન્ટેઇનમેન્ટ હેઠળ આવરી લેવાતા સમગ્ર વિસ્તારમાં સન્નાટો વ્યાપી ગયો છે. ઝાંપાબજારમાં રહેતા રમેશચંદ્ર રાણા અને તેમની સાસુ ડાકોરબેન છાપડીયાનો કોરોના પોઝિટિવ આવતાં સમગ્ર વિસ્તારમાં 15 દિવસ તાળાબંધી જેવા નિયંત્રણો લાદ્યા છે. જેથી હાલ બેગમપુરા વિસ્તારમાં 9 હજારથી વધુની વસ્તી ઘરમાં બંધ છે.

બેગમપુરા વિસ્તાર અત્યંત ગીચ સાથે વિવિધ નોનવેજની માર્કેટો આવેલી હોય સામાન્ય દિવસમાં આખો દિવસ રાહદારીઓની ભારે અવરજવર હોય છે. પરંતુ આ વિસ્તારમાં આજે સન્નાટો જોવા મળી રહ્યો છે. રસ્તા ઉપરની તમામ દુકાનો બંધ, સિંગલ પબ્લિક પણ નજરે ચઢી રહ્યું નથી. દેખાય છે તો માત્ર પોલીસના જવાનો. અહીં લોકોને ઘરના ઓટલા ઉપર પણ બેસવા દેવામાં આવતા નથી.

માત્ર સવારે થોડા સમય માટે દૂધ કે કરિયાણું લેવા બહાર જવા દેવામાં આવે છે. ફરજિયાત લોકોને માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ્ટિંગનો કડક અમલ થઇ રહ્યો છે. જાહેરમાં શાકભાજી કે ફ્રુટની લારીઓ ઉપર પ્રતિબંધ મૂકી દેવાયો છે. ઝાંપાબજારની તમામ માર્કેટો બંધ કરવામાં આવી છે. આંતરિક ગલીઓ પોલીસે બેરિકેટ મૂકીને બંધ કરી દીધી છે. 15 દિવસ સુધી સમગ્ર વિસ્તારમાં તાળાબંધી કરવામાં આવી છે.