ડાયમંડ કટિંગ અને પોલિશ્ડનું હબ ગણાતા સુરતને ડાયમંડ બુર્સ રૂપી ભેટ મળે તે પહેલા જ સરકારે સારા સમાચાર આપ્યા છે. ઈચ્છાપોર ખાતે જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (જીજેઈપીસી) દ્વારા તૈયાર કરાયેલા સુરત ઈન્ટરનેશનલ ડાયટ્રેડ સેન્ટર (એસઆઈડીએસ)ને સ્પેશિયલ નોટીફાઈડ ઝોન(એસએનઝેડ) તરીકેની પરવાનગી મળી ગઈ છે. જેના કારણે હવે ડીબિયર્સ, અલરોઝા, રિયો ટીન્ટો જેવી ડાયમંડ માઈનીંગ કંપનીઓ સીધુ રફ હીરાનું વેચાણ સુરત આવીને કરી શકશે. જેનો સીધો લાભ સુરતના 6500 હીરા એકમો પૈકીના 70 ટકા નાના હીરા ઉદ્યોગકારોને મળશે. આ નિર્ણયથી સૌથી મોટો ફાયદો સુરતના
હીરા વેપારીઓને એ થશે કે રફની કોસ્ટિંગ દસ ટકા જેટલી નીચે આવી જશે. જેથી પોલીશ્ડ ડાયમંડના વૈશ્ચિક બજારમાં સુરતની પકડ વધુ મજબૂત બનશે. ડિસેમ્બરના અંત સુધી આ સેન્ટર કાર્યરત થઈ જાય એવી
સંભાવના છે.
દોઢ માસ અગાઉ સપ્ટેમ્બરમાં ઈચ્છાપોર ગુજરાત હીરા બુર્સ ખાતે 3000 સ્કે.ફૂટમાં જીજેઈપીસી દ્વારા તૈયાર કરાયેલા સુરત ઈન્ટરનેશનલ ડાયટ્રેડ સેન્ટર ખાતે મધ્યપ્રદેશની પન્ના માઈન્સના દ્વારા જેમ્સ ક્વોલિટીના રફ હીરાનું પ્રર્દશન યોજાયું હતું. તે વખતે જીજેઈપીસીના રિજીયોનલ ચેરમેન દિનેશ નવાડિયાએ જણાવ્યું હતું કે, સુરતમાં પણ રફ હીરાનું ટ્રેડિંગ શરૂ થાય તે ઉદ્દેશથી આ સેન્ટરની સ્થાપના કરવામાં આવી છે. અત્યાર સુધી મુંબઈ ખાતે વર્ષ 2015થી બીડીબી (ભારત ડાયમંડ બુર્સ)ખાતે કાર્યરત થયેલા એસએનઝેડ
મારફતે રફ હીરાનું પ્રર્દશન અને ટ્રેડિંગ શરૂ થયું હતું. જોકે, હવે ડાયટ્રેડ સેન્ટર શરૂ થયા બાદ સુરતમાં પણ ડાયમંડનું ટ્રેડિંગ શરૂ થશે.
સપ્ટેમ્બર માસમાં કસ્ટમ વિભાગ દ્વારા આ સેન્ટરનું ઈન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યું હતું. જેને તા. 31મી ઓક્ટોબરે મિનિસ્ટ્રી ઓફ ફાઈનાન્સના સર્ક્યુલર નં.451/13/2015, પ્રમાણે સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈન્ડાયરેક્ટ ટેક્સિસ અને કસ્ટમની પરવાગની સાથે એસએનઝેડ તરીકે સ્થાપવાની પરવાનગી મળી ગઈ છે. જેના કારણે હવે સુરતમાં એક સચિન જીઆઈડીસી જ્યારે બીજું ઈચ્છાપોર ખાતે કાર્યરત થયેલા ડાયટ્રેડ સેન્ટર રૂપી બે સ્પેશિયલ નોટીફાઈડ ઝોન મળી
ચૂક્યા છે.
સરકાર તરફથી મળેલી પરવાનગીના પગલે એર કાર્ગો થકી સુરતના હીરા ઉદ્યોગકારો હવે સીધું સુરતમાં જ રફ ડાયમંડનું ઈમ્પોર્ટ કરી શકશે. આ સાથે આ સેન્ટરમાં હીરાના ઈમ્પોર્ટ સહિત, તેનું ટ્રેડિંગ અને રી-એક્સપોર્ટ સહિતની સેવાઓનો પણ લાભ શહેરના નાના એસએમઈ કક્ષાના ઉદ્યોગકારોને લાભ મળશે. ઉલ્લેખનીય છે કે, સુરતમાં 6500 હીરાના નાના, મોટા અને મધ્યમ એકમો પૈકી ગણતરીની મોટી કંપનીઓ જ ડીટીસીની સાઈટ હોલ્ડર્સ છે. આ સાથે મર્યાદિત સંખ્યામાં હીરા ઉદ્યોગકારો આફ્રિકાની કેટલીક સરકારી માઈન્સની સાથો-સાથ રશિયા, બોટ્સવાના અને દુબઈથી હીરાની ખરીદી મેળવી શકતાં હોઈ છે. ટ્રેડ સેન્ટરને પરવાનગી મળતાં નાનામાં નાનો ઉદ્યોગકાર હીરાનું ટ્રેડિંગ કરી શકશે.