ગુજરાતી પત્રકારત્વમાં આગવી ઓળખ ધરાવતાં અને પદ્મશ્રી એવોર્ડ મેળવનારા નગીનદાસ સંઘવીનું રવિવારે સુરતની હોસ્પિટલમાં અવસાન થયું હતું. ગુજરાતી સાહિત્ય અને પત્રકાર ક્ષેત્રે મોટું નામ ધરનાવારા નગીનદાસ સંઘવીનો જન્મ ભાવનગરમાં ૧૯૨૦માં માર્ચ માસની 20 તારીખે થયો હતો. ત્યાર બાદ તેઓ લાંબો સમય સુધી મુંબઈ સ્થાયી થયાં હતા અને જુદી-જુદી કોલેજમાં અભ્યાસ કર્યા બાદ મીઠીબાઈ કોલેજમાં પોલીટીકલ સાયન્સના વડા તરીકે રહ્યાં હતા અને નિવૃત્ત થયા હતા.

તેઓએ જુદા જુદા મેગેઝીન અને વર્તમાન પત્રમાં કોલમ લખવા સાથે અનેક પુસ્તકો પણ લખ્યા છે. પત્રકાર જગતમાં લાંબી કારર્કિદી ધરાવનારા નગીનદાસ સંઘવીને પદ્મશ્રી એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. 101 વર્ષની જૈફ વય ધરાવતાં નગીનદાસ સંઘવી છેલ્લા કેટલાક વખતથી સુરતમાં સુમુલ ડેરી રોડ પર રહેતાં હતા. રવિવારે સવારે 11-15 વાગ્યે શ્વાસની તકલીફ સાથે મહિધરપુરા પોલીસ સ્ટેશન સામે આવેલી બુરહાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં સાંજે 4-00 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા.

સોમવારે કામરેજ નજીક આવેલા અંબોલી ગામના કૈલાસધામ સ્મશાનભૂમિમાં અગ્નિસંસ્કાર કરવામાં આવ્યાં છે. નજીકના સગા સંબંધીઓ સહિતના ગણતરીના લોકોની હાજરીમાં નગીદાસ સંઘવી પંચમહાભૂતમાં વિલીન થયા છે. અંતિમ સંસ્કાર વખતે તેમની બન્ને દીકરીઓ દૌહિત્ર સહિતના ગણતરીના લોકો હાજર રહ્યા. તેમની અંતિમ યાત્રા સવારે સાત વાગ્યે બુરહાની હોસ્પિટલ, મહિઘરપુરા જીપીઓની સામેથી નીકળીને કૈલાસધામ આંબોલી પહોંચી જ્યાં નજીકના લોકોએ ભારે હૈયે અંતિમ સંસ્કાર કર્યા.