ભારતના સૌથી મોટા અને સૌથી વધુ વૈવિધ્યપૂર્ણ બિઝનેસીઝ ધરાવતા ઔદ્યોગિક સમુહ – ટાટા ગ્રુપના વડા એન. ચન્દ્રસેકરને એવો સંકેત આપ્યો છે કે, ટાટા ગ્રુપ પણ ભારતની હાલમાં સરકારી માલિકીની એરલાઈન – એર ઈન્ડિયા ખરીદવા ચોક્કસપણે વિચારી શકે છે.

ભારતના બે મોટા મીડિયા સમુહોને આપેલા ઈન્ટરવ્યુમાં ટાટા ગ્રુપના મુખ્ય શેરહોલ્ડર – ટાટા સન્સના ચેરમેન એન. ચન્દ્રસેકરને એવા સંકેતો આપ્યા હતા કે, ટાટા ગ્રુપે એર ઈન્ડિયાની માલિકી માટેની સ્પર્ધામાં ઉતરવા વિષે હજી કોઈ નિર્ણય લીધો નથી, તે વિષે અવશ્યપણે વિચારી શકાય છે. એર ઈન્ડિયા ભારત સરકારે હસ્તગત કરી તે પહેલા તેની સ્થાપના ટાટા ગ્રુપે જ કરી હતી અને કેટલાય વર્ષો સુધી તેનું સંચાલન પણ ગ્રુપ પાસે જ હતું.

ચન્દ્રસેકરને આ ઈન્ટરવ્યુમાં એવું કહ્યું હતું કે, મૂળભૂત રીતે વિસ્તારા કે એર એશિયાએ આ નિર્ણય લેવાનો હોય, મારે નહીં. પણ એર ઈન્ડિયામાંથી ભારત સરકાર પોતાનો સંપૂર્ણ માલિકી હિસ્સો વેંચી દેવા તૈયાર છે ત્યારે તેના માટે દાવો કરવા ગ્રુપ ચોક્કસપણે વિચારી શકે છે. એર ઈન્ડિયાના મામલે ટાટા સન્સના ચેરમેન એમેરિટસ તથા ટાટા ટ્રસ્ટ્સના વડા, રતન ટાટા સકારાત્મક હોવાની શક્યતા છે, આ પહેલા જેટ એરવેઝના કિસ્સામાં તેઓ એમાં હિસ્સો ખરીદવાની વિરૂદ્ધમાં હતા.