સેનાના દક્ષિણ કમાન્ડના અધિકારી લેફ્ટનન્ટ જનરલ એસ.કે. સૈનિઓએ સોમવારે જણાવ્યું કે, ભારતી સેનાને એવા ઈનપુટ મળ્યા છે કે ત્રાસવાદીઓ ભારતના દક્ષિણ ભાગમાં ગમે ત્યારે હુમલો કરી શકે છે. લેફ્ટનન્ટ જનરલ સૈનીએ વધુમાં જણાવ્યું કે, સુરક્ષા દળોને ગુજરાતના કચ્છના સિરક્રિકમાંથી કેટલી ત્યાગી દેવામાં આવેલી બોટ મળી છે. જેના કારણે સેનાને હાઈએલર્ટ પર મુકવામાં આવી છે.

લેફ્ટનન્ટ સૈનીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, “સિરક્રિકમાંથી કેટલીક ત્યજી દેવામાં આવેલી બોટ મળી આવતાં સેનાને એલર્ટ કરી દેવાઈ છે. અમે ત્રાસવાદીઓનાં કોઈ પણ પ્રયાસને નિષ્ફળ બનાવવા માટે તમામ પ્રકારનાં સુરક્ષાત્મક પગલાં લઈ રહ્યાં છીએ.”લેફ્ટનન્ટ જનરલ એસ.કે. સૈનીનું નિવેદન એવા સમયે આવ્યું છે.

જ્યારે ઈન્ટેલિજન્સ એજન્સીઓને એવા ઇનપુટ મળ્યા છે કે, પાકિસ્તાનમાં કાર્યરત ત્રાસવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સેના અને અન્ય સુરક્ષા દળોના કેમ્પ પર ગમે ત્યારે હુમલો કરી શકે છે. સૂત્રોએ જણાવ્યું કે,ત્રાસવાદીઓ સાંબા જિલ્લાના બારી બ્રાહ્મના કેમ્પ અને જમ્મુમાં આવેલા સુજવાન અને કાલુચક આર્મી કેમ્પ પર હુમલો કરવાની ફિરાકમાં છે. કેટલાક રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરાયો છે કે, ત્રાસવાદીઓ શોપિયાં વિસ્તારમાંથી ઘુસણખોરીની ફિરાકમાં છે. તેઓ ત્યાંથી જમ્મુમાં ઘુસીને વિસ્તારમાં આતંકી હુમલાનું આયોજન કરી રહ્યા છે.