Khairi Saadallah - Facebook - Khairi Saadallah

કોવિડ-19ના કાળા કહેરમાંથી દેશ જેમ તેમ મુક્ત થવાની કોશિષ કરી રહ્યો છે ત્યારે મુળ લિબિયાના શરણાર્થી ખૈરી સદ્દલ્લાહ નામના 25 વર્ષીય યુવાને રેડિંગના ફોર્બરી ગાર્ડન્સમાં શનિવારે તા. 20ની સાંજે 7 વાગ્યે છરાબાજી કરી ત્રણ લોકોની હત્યા કરતા ફફડાટ ફેલાઇ ગયો છે. ખૈરી ગયા વર્ષના મધ્યથી બ્રિટનની જાસુસી સંસ્થા એમઆઇ-5ના રડાર પર હતો અને ગયા વર્ષે તપાસ કરવામાં આવી ત્યારે કોઈ ગંભીર જોખમની ઓળખ થઈ ન હતી. સાક્ષીઓના જણાવ્યા મુજબ હુમલાખોરે હુમલા પહેલા કોઇક “અગમ્ય શબ્દો” બોલ્યા હતા અને જૂથમાં રહેલા ઘણા લોકોને ચાકુ માર્યા હતા.

પાંચ મિનિટથી ઓછો સમય ચાલેલા આ હુમલામાં અન્ય ત્રણ લોકો ઘાયલ થયા હતા. જેમાં બે જણાને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, એકને બાદમાં રજા આપવામાં આવી હતી અને બીજાની હાલત સ્થિર જણાવાય છે. મોતને ભેટેલા જેમ્સ ફરર્લોંગ, ડેવિડ વેલ્સ અને રિચી-બેનેટને રીડિંગના એજ પાર્કમાં “સાચા સજ્જન” ગણાવી શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. તેઓ ફોર્બરી ગાર્ડન્સ નજીક એક પબના નિયમિત ગ્રાહકો હતા.

એક પૂર્વ પોલીસ અધિકારીએ શંકાસ્પદ હુમલાખોરને જમીન પર પછાડી દીધો હતો. બીજી તરફ લોકોએ પેરામેડિક્સ પહોંચે તે પહેલા સીપીઆર આપવાનો પ્રયાસ કર્યો હતો.

“ઉગ્રવાદી કારણોસર” વિદેશ યાત્રા કરી શકે તેવી વ્યક્તિ તરીકે તેની તપાસ ચાલી રહી હતી. ગુપ્તચર એજન્સીઓ માને છે કે સદ્દલ્લાહને માનસિક સ્વાસ્થ્ય સમસ્યા હતી. ઇસ્લામિક સ્ટેટ અથવા અલ-કાયદા પ્રત્યેની વફાદારીને પગલે હુમલો કરવામાં આવ્યો હોય તેવા કોઇ તાત્કાલિક પુરાવા મળ્યા નથી. જોકે તપાસ ચાલુ છે. પોલીસ માને છે કે તે એકલો જ આ કામ કરી રહ્યો હતો. ખૈરીને યુકેમાં આશ્રય આપવામાં આવ્યો હતો અને આતંકવાદ સાથે સંબંધિત ન હોય તેવા પ્રમાણમાં નજીવા ગુના બદલ તેણે જેલની સજા પણ થઇ હોવાનું મનાય છે.

વડાપ્રધાન બોરીસ જ્હોન્સને કહ્યું હતું કે “આપણે આવા કિસ્સાઓમાંથી શીખવાની જરૂર છે, તો આપણે તે પાઠ શીખીશું, અને જરૂરી હોય ત્યાં પગલાં લેતા અચકાવું નહીં. આવી ઘટનાઓ ફરીથી બનતી અટકાવવા માટે કાયદાકીય પ્રણાલીમાં પરિવર્તન લાવવાની જરૂર હશે તો અમે તે માટે અચકાઇશું નહીં. સરકાર આ દુર્ઘટનામાંથી ઉદ્ભવતા કોઈપણ પાઠ પર કાર્યવાહી કરવા તૈયાર છે.’’ વડા પ્રધાન અને અન્ય અગ્રણીઓએ આ હિંસાની નિંદા કરી પીડિતોનાં સબંધીઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.

હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે રેડિંગ હુમલા પહેલા અધિકારીઓને વિદેશી રાષ્ટ્રીય અપરાધીઓનો દેશનિકાલ કરી શકાય તે રીતે સુધારણા કરવા જણાવ્યું હતું અને મરણ પામેલા લોકોને શ્રધ્ધાંજલિ આપી હતી.

આ હુમલામાં માર્યા ગયેલા ત્રણ લોકોમાં 36 વર્ષિય સ્થાનિક વોકિંગહામની હોલ્ટ સ્કૂલના “પ્રેરણાદાયી” શિક્ષક જેમ્સ ફરલોંગ પણ હતા. તેઓ ઇતિહાસ, સરકાર અને રાજકારણના શિક્ષક અને વડા હતા. રવિવારે સાંજે તેના માતાપિતા, ગેરી અને જેનેટે પુત્રને શ્રદ્ધાંજલિ આપી હતી. મોતને ભેટનારામાં 49 વર્ષના વૈજ્ઞાનિક મી. વેલ્સનું નામ પણ બહાર આવ્યું હતું.

મોતને ભેટેલા 39 વર્ષના રિચી-બેનેટ મૂળ ફિલાડેલ્ફિયા, અમેરિકાના વતની હતા પરંતુ તેઓ 15 વર્ષથી યુકેમાં રહેતા હતા. તેમણે નજીકના મિત્ર, ઇયાન સાથે લગ્ન કર્યા હતા, જેનું આશરે છ વર્ષ પહેલાં કેન્સરથી મૃત્યુ થયું હતું.

થેમ્સ વેલી પોલીસે જણાવ્યું હતું કે તેમને સાંજે 6.56 કલાકે પ્રથમ કોલ મળ્યો તેની પાંચ જ મિનિટમાં શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરી હતી.

કાઉન્ટર ટેરરિઝમ પોલીસિંગના વડા અને મેટ્રોપોલિટન પોલીસના મદદનીશ કમિશનર નીલ બાસુએ જણાવ્યું હતું કે “અમારી પૂછપરછમાં આ હુમલામાં બીજુ કોઈ પણ શામેલ હોવાનું જણાયું નથી. આતંકવાદ વિરોધી પોલીસે તપાસની આગેવાની લીધી છે. શનિવારના હુમલાનો ભોગ બનેલા લોકોની સહાયતા કરનારા લોકો પર મને ગર્વ છે. તેઓ સાચા હીરો છે અને અન્ય લોકોને આગળ વધવા અને અમારી ભૂમિકા ભજવવા માટે પ્રેરણા આપી છે.’’

2012માં લિબિયાથી યુકે આવેલા ખૈરીએ આશ્રયનો દાવો કર્યા બાદ તેને 2018માં રહેવાની રજા આપવામાં આવી હતી. તેના કુટુંબના એક નજીકના સભ્યએ બીબીસીને કહ્યું હતું કે તેણે ત્યાંની હિંસાથી બચવા માટે લિબિયા છોડ્યું હતું. તે ગૃહ યુદ્ધના પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસથી પીડાયો હતો. જો કે, તે પાછા ફરવા વિચારતો હતો. લાંબા સમયથી માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ કોરોનાવાયરસ લૉકડાઉનના કારણે વધુ તીવ્ર થઈ હતી.

એક નિવેદનમાં તેના ભાઇ, એઇમાન સદ્દલ્લાહએ કહ્યું હતું કે “આ મૂર્ખામીભર્યા હુમલાથી અમે બધા આઘાત પામ્યા છીએ. હું મૃત્યુ પામેલા પીડિત લોકોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરવા માંગુ છું અને ઈજાગ્રસ્ત તમામ લોકોની ઝડપથી સ્વસ્થ થવાની ઇચ્છા રાખું છું.”

આ હુમલો યુકેમાં ગયા નવેમ્બર માસ પછીનો ચોથો છે. ઉસ્માન ખાને લંડન બ્રિજ પાસે ફિશમોંગર હોલમાં બે લોકોને માર્યા હતા. ત્યારબાદ જાન્યુઆરીમાં વ્હાઇટમૂર જેલમાં, ફેબ્રુઆરીમાં લંડનના સ્ટ્રેધામ હાઇ સ્ટ્રીટ પર આતંકવાદી હુમલા થયા હતા. આતંકના ખતરોનું સ્તર હાલમાં “નોંધપાત્ર” છે.