ભારતીય ટીમે રાંચી ખાતેની ત્રીજી ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકાને એક ઇનિંગ્સ અને 202 રને હરાવ્યું છે. આ સાથે જ ભારતે દ. આફ્રિકા સામે પહેલી વાર 3-0થી સીરિઝ જીતીને તેમનો વ્હાઇટવોશ કર્યો છે. ભારતે પ્રથમ દાવમાં 497/9 ઇનિંગ્સ ડિક્લેર કરી હતી.

તેના જવાબમાં સાઉથ આફ્રિકા 162 અને 132 રનમાં ઓલઆઉટ થઇ હતી. ભારતની દ.આફ્રિકા પર આ સૌથી મોટી જીત છે. ગઈ મેચમાં ઇન્ડિયાએ મહેમાન ટીમને એક ઇનિંગ્સ અને 137 રને હરાવી હતી. મેચમાં 212 અને સીરિઝમાં 132.25ની એવરેજથી 529 રન કરનાર રોહિત શર્મા મેન ઓફ ધ મેચ અને મેન ઓફ ધ સીરિઝ બન્યો.

ભારતની આ ઘરઆંગણે સતત 11મી સીરિઝ જીત છે.ડિન એલ્ગર 16 રને રિટાયર્ડ હર્ટ થયો હતો. એલ્ગરને માથામાં બોલ વાગ્યો હોવાથી આઈસીસીના કન્કશન નિયમ પ્રમાણે બ્રૂઇન તેની જગ્યાએ બેટિંગ કરવા આવ્યો છે. ક્રિકેટમાં ત્રીજી વાર કન્કશન સબ્સ્ટિટયૂટનો ઉપયોગ થયો છે. અગાઉ માર્કસ લબુચાને સ્ટીવ સ્મિથનો અને વિન્ડીઝનો બ્લેકવુડ ડેરેન બ્રાવોનો સબસ્ટિટ્યૂટ રહ્યો હતો.

કેપ્ટન ફાફ ડુ પ્લેસીસ 4 રને શમીની બોલિંગમાં અલબીડબ્લ્યુ થયો હતો. ફાફે રિવ્યુ લીધો હતો પરંતુ તે અમ્પાયરનો નિર્ણય ફેરવી શક્યો ન હતો. ટેમ્બા બાવુમા શૂન્ય રને શમીની બોલિંગમાં કીપર સાહા દ્વારા કેચ આઉટ થયો હતો. ઇનિંગ્સની શરૂઆતમાં ​​​કવિન્ટન ડી કોક 5 રને ઉમેશ યાદવની બોલિંગમાં બોલ્ડ થયો હતો. તે પછી ઝુબેર હમઝા શૂન્ય રને શમીની બોલિંગમાં આઉટ થયો હતો.