ટોક્યો 2020 ઓલિમ્પિક આયોજકોએ ગુરુવારે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, ‘કોરોના વાયરસની અફવાને અવગણીને ટોક્યો ઓલિમ્પિક તેના નિયત કાર્યક્રમ મુજબ યોજાશે.’ સમિતિએ કોરોના વાયરસને લઈને કોઈ જ ખોટી અફવાહોમાં ના દોરવાઈ જવા જણાવ્યું છે.

ચીનમાં ઉદ્ભવેલા જીવલેણ કોરોના વાયરસ સામે જાપાને પૂરી તૈયારી કરી રાખી હોવાનું ટોક્યો ઓલિમ્પિકના સીઈઓ તોશિરો મ્યુતોએ જણાવ્યું છે. ચીનમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસથી કુલ 560 લોકોના મોત થયા છે તેમજ 28,000 લોકો વાયરસથી સંક્રમિત થયા છે. મ્યુતોએ પેરાલિમ્પિક પ્રોજેક્ટ સમીક્ષા બાદ પત્રકારોને જણાવ્યું હતું કે ઓલિમ્પિક રમતો તેના નિયત કાર્યક્રમ મુજબ જ યોજાશે.

આવા સમયે શાંત મન સાથે સતર્ક રહેવું જરૂરી છે. અમે લોકોમાં ભય ઊભો કરવા નથી ઈચ્છતા. હાલમાં ઈન્ફેક્શન મર્યાદીત છે અને ઓલિમ્પિકને તેનાથી કોઈ વધુ જોખમ રહેતું નથી. જો કે અફવાને લીધે લોકોમાં વાયરસથી વધુ ઝડપે ડર ફેલાઈ રહ્યો હોવાનું મ્યુતોએ જણાવ્યું હતું.

ચીન બહાર વાયરસના ફક્ત 191 કેસો જ છે માટે તે આંકડો ઘણો નાનો છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પણ આ બીમારીને મહામારી જાહેર નથી કરી. અગાઉ રિઓ ઓલિમ્પિક વખતે પણ ઝિકા વાયરસનો ખતરો ઉદ્ભવ્યો હતો અને નિષ્ણાતોની મદદથી રમતો શક્ય બની હતી. ઓલિમ્પિક આયોજન સમિતિ તમામ ખેલાડીઓ અને આવનાર પ્રેક્ષકોનું સંપૂર્ણ ધ્યાન રાખશે તેવો વિશ્વાસ મ્યુતોએ વ્યક્ત કર્યો હતો.