દેશમાં પેસેન્જર વ્હીકલ્સ અને કારોના વેચાણમાં ઘટાડો થતા ઓટો-સેક્ટરમાં ભારે મંદીના એંધાણ છે. કાર અને બાઇકનું વેચાણ વિતેલા બે દાયકામાં સૌથી નીચલા સ્તરે પહોંચ્યું છે. વેચાણમાં થયેલા ઘટાડાની સૌથી મોટી અસર વાહન ઉત્પાદન કરતી કંપનીઓના કર્મચારીઓ પર પડી છે. જાપાનની કાર નિર્માતા કંપની ટોયોટા મોટર્સ અને દક્ષિણ કોરિયાની કંપની હ્યુન્ડાઇએ વેચાણમાં ઘટાડો થતા પોતાના પ્રોડક્શન પર રોક લગાવી છે.

મંદીને કારણે કંપનીઓને પોતાના યુનિટ બંધ રાખવાની ફરજ પડી છે. જેને પગલે શિફ્ટમાં પણ ઘટાડો થયો છે. રિપોર્ટ્સ મુજબ, મંદીના વાદળ ઘેરાતા કેટલીક કંપનીઓ પોતાના અસ્થાયી કર્મચારીઓની છટણી કરી શકે છે. ડેનસો કોર્પનો ભારતીય એકમ, જે કાર માટે પાવરટ્રેન અને એ.સી. સિસ્ટમ બનાવે છે. તેણે પોતાના માનેસર પ્લાનમાંથી 350 અસ્થાયી કર્મચારીઓને કાઢી મૂક્યા છે.

મારુતિ સુઝુકીની ભાગીદારી બેલસોનિકા કંપનીએ પણ તેના માનેસર પ્લાન્ટમાંથી 350 કર્મચારીઓની છટણી કરી છે. બેલસોનિકા ફ્યૂઅલ ટેન્ક અને બ્રેક પેડ બનાવે છે. અગાઉ એક રિપોર્ટમાં સામે આવ્યું હતું કે, વાહન નિર્માતા કંપની, વાહનોના પાર્ટ્સ બનાવતી કંપની અને ડીલરોએ પોતાના ત્યાંથી લગભગ 3.50 લાખ નોકરીઓમાં ઘટાડો કર્યો છે.

ટોયોટાએ 13 ઓગસ્ટે નોટિસ જાહેર કરીને તેના કર્મચારીઓને જણાવ્યું હતું કે કંપની બજારમાં વાહનોની માગને ધ્યાનમાં રાખીને 16 અને 17 ઓગસ્ટના રોજ પ્રોડક્શન નહીં કરે. કંપની પાસે અત્યારે 7000 વાહનોનો સ્ટોક છે. ટોયોટાના ભારતીય એકમના ડેપ્યુટી એમડી એન. રાજાએ જણાવ્યું હતું કે, સ્ટોકમાં વધારો ના થાય તેના માટે ઓગસ્ટમાં પાંચ દિવસ પ્રોડક્શન નહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરાકારે ઉદ્યોગની મદદ કરવા આગળ આવવું જોઇએ.