આવતા મહિને અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતની મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે અમદાવાદની મુલાકાતે આવે તેવી પ્રબળ સંભાવના છે, તેમ સૂત્રો જણાવી રહ્યા છે. આ મુલાકાતની તૈયારીના ભાગરૂપે શુક્રવારે ગુજરાત રાજ્યના વહીવટી તંત્ર અને પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓએ અમદાવાદમાં મોટેરા ખાતે નિર્માણધિન સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમની મુલાકાત લઇને સુરક્ષા સંબંધિત પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. જોકે, ટ્રમ્પની ભારત મુલાકાત અંગેનો અધિકૃત કાર્યક્રમ હજી સુધી જાહેર થયો નથી. અગાઉ અમેરિકામાં હ્યુસ્ટન ખાતે યોજાયેલા ‘હાઉડી મોદી’ કાર્યક્રમની જેમ અમદાવાદમાં ટ્રમ્પના સન્માનમાં આવા કાર્યક્રમનું આયોજન કરવાનું વિચારાધિન છે. જે માટે રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકિમ, રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝા, અમદાવાદના પોલીસ કમિશનર આશિષ ભાટિયા, મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા અને કલેક્ટર કે. કે. નિરાલાએ સ્ટેડિયમની મુલાકાત લીધી હતી. તેમની આ મુલાકાત દરમિયાન ગુજરાત ક્રિકેટ એસોસિએશનના પદાધિકારીઓ જય શાહ અને ધનરાજ નથવાણી પણ જોડાયા હતા.

આ સ્ટેડિયમ એસોસિએશનની માલિકીનું છે, જેના નિર્માણનું કામ અત્યારે અંતિમ તબક્કામાં છે. આ સ્ટેડિયમમાં એક લાખથી વધુ દર્શકોને બેસવાની ક્ષમતા ઊભી કરવામાં આવી છે, જે વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ બની રહેશે. આ બંને મહાનુભાવોની મુલાકાત વેળાએ જ વિશ્વના આ સૌથી મોટા સ્ટેડિયમના ઉદ્ધાટનનો તખ્તો ગોઠવાઇ રહ્યો છે.
કહેવાય છે કે, આ વર્ષના અંતમાં અમેરિકામાં યોજાનારી પ્રેસિડેન્ટ પદની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ ભારતીય મતદારોને આકર્ષવા ભારતની મુલાકાતે જઇ રહ્યા છે. વિશેષમાં તો અમેરિકામાં મોટી સંખ્યામાં વસતા ગુજરાતીઓનું સમર્થન મળી રહે તે માટે અમદાવાદમાં તેમના કાર્યક્રમનું આયોજન થઇ રહ્યું છે. આ અગાઉ વડાપ્રધાન મોદીના આગ્રહને કારણે ચીનના પ્રેસિડેન્ટ શી ઝિંનપિંગ, જાપાનના વડાપ્રધાન શિંઝા આબે અમદાવાદની મુલાકાતે આવી ચૂક્યા છે.