સાઉદી અરેબિયામાં ઓઈલ રીફાઇનરી પર ડ્રોન હુમલો થયા પછી અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે સાઉદીને હૈયાધારણા આપતી એક ટ્વીટ કરી કહ્યું હતું કે અમેરિકા લોક્ડ અને લોડેડ છે, બસ તમારા દિશાનિર્દેશની રાહ જોવાય છે. તેનો અર્થ એવો હતો અમેરિકાનું સૈન્ય, વાયુ સેના વગેરે સાઉદીને મદદ કરવા તૈયાર છે. અરામકો રીફાઇનરી પર જે ડ્રોન હુમલો થયો હતો તેની જવાબદારી યમનના હૂતી બળવાખોરોએ લીધી હોવા છતાં ટ્રમ્પે આ હુમલામાં ઈરાનનો હાથ હોવાનું કહ્યું હતું અને સાઉદીએ પણ ઈરાન પર આરોપ મુક્યો છે. ટ્રમ્પના આ ટ્વીટથી ઈન્ડિયન અમેરિકન ડેમોક્રેટ સાસંદ તુલસી ગબાર્ડ રોષે ભરાયા હતાં અને તેમણે એક વીડિયો પોસ્ટ કરી ટ્રમ્પ સામે ગંભીર સવાલ ઉઠાવ્યા હતા.

હવાઇથી ચોથી વખત સાંસદ ચૂંટાયેલા અને અગાઉ મિલિટરીમાં સેવા આપી ચૂકેલા તુલસી ગબાર્ડે કહ્યું હતું કે, ‘મિ. પ્રેસિડન્ટ, તમે જાણો છો, મેં તમારા અથવા તમારા પરિવારની વિરુદ્ધ ક્યારેય દ્વેષપૂર્ણ નિવેદન કર્યું નથી અને હું ક્યારેય કરીશ નહીં. પરંતુ તમે આપણી લશ્કરી સંપત્તિ (સૈનિકો) સાઉદી અરેબિયાના સરમુખત્યારને યોગ્ય લાગે તે રીતે ઉપયોગ કરવા માટે અર્પણ કરો તે યુનિફોર્મધારી, આપણા દેશ માટે તેમનો જીવ આપવા હોય તેવા મારા ભાઈઓ-બહેનો સાથે વિશ્વાસઘાત છે આપણા ગૌરવશાલી સર્વિસમેન અને મહિલાઓને સાઉદી અરેબિયાના પ્રિન્સની ચાકરીમાં મૂકી દેવાની ચેષ્ટા એકવાર દર્શાવે છે કે તમે અમારા કમાન્ડર ઇન ચીફ બનવા માટે બિલકુલ યોગ્ય નથી. અમેરિકન સૈન્ય અને પ્રજા તમારી વેશ્યા નથી અને તમે અમારા (દેશના) દલાલ નથી.

આ પહેલા રવિવારે તુલસીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે આપણા દેશને સાઉદી અરેબિયાના કૂતરા તરીકે કામ કરવું પડે તે અમેરિકા ફર્સ્ટ નથી. ટ્રમ્પ સામે પ્રેસિડન્ટ પદની આગામી ચૂંટણી લડવાની ઈચ્છા ધરાવતા અગ્રણી ઉમેદવારોમાંના એક, તુલ્સીએ એવું પણ કહ્યું હતું કે, કોંગ્રેસના સભ્યો તરીકે પોતે અને સાથીઓ તેમજ યુનિફોર્મમાં સજ્જ સંરક્ષણ સેવાના જવાનોએ, બધાએ અમેરિકાની પ્રજા અને અમેરિકાના બંધારણનું રક્ષણ કરવાના શપથ લીધા છે, તેના માટે તેઓ બધા પ્રતિબદ્ધ પણ છે. અમેરિકાના બંધારણમાં પણ એવી સ્પષ્ટ જોગવાઈ છે કે, કોંગ્રેસની સાફ સાફ મંજુરી સિવાય પ્રેસિડેન્ટ યુદ્ધનો નિર્ણય લઈ શકે નહીં, તેવી તેમને સત્તા જ નથી.