યુકે સરકારના સહયોગથી પ્રસ્તુત

દરેક બાળક માટે શાળામાં કે નર્સરીમાં જવું ખૂબ જ અગત્યનુ છે અને હરહંમેશ માટે રહેશે. બાળકો મોટેભાગે એક બીજાનું અનુકરણ કરીને કે પછી પોતાના અનુભવથી શીખતા હોય છે. શાળા બાળકો માટે એવુ સ્થળ છે જ્યાં તેઓ પોતાના મિત્રો અને શિક્ષકોને જોઇને કે હળીમળીને પોતાની માનસિક સમૃધ્ધીને ખીલવે છે. કોરોનાવાયરસ રોગચાળો ફાટી નીકળ્યો ત્યારથી શાળાઓ ખુલ્લી રહી છે અને નિર્બળ બાળકો અને કી-વર્કરના બાળકો શાળામાં આવીને અભ્યાસ, સંભાળ અને દૈનિક ભોજન લઇ શકે તે માટે ટેકો આપતી રહી છે.

સરકાર દ્વારા તા. 1 જૂનથી પ્રારંભિક વર્ષોની સેવા આપતા નર્સરી અને ચાઇલ્ડમાઇન્ડરની સેવાઓ આપતી સંસ્થાઓને કહેવામાં આવ્યું છે કે તેઓ બાળકોને આવકારે. બીજી તરફ નર્સરી, રીસેપ્શન, યર 1ના વિદ્યાર્થીઓ માટે પ્રાયમરી સ્કૂલો ખોલવામાં આવી છે.

રિસેપ્શન અને યર 1ના બાળકો શાળામાં ગણતરી, વાંચન અને લેખન સહિતની મૂળભૂત બાબતોમાં નિપુણતા પ્રાપ્ત કરશે. આ ઉંમરે શાળામાં પાયારૂપ શિક્ષણ મળવાથી તેમના આજીવન શિક્ષણ તેમજ સામાજિક અને ભાવનાત્મક વિકાસને ટેકો મળશે. નાનાકડા બાળકોને શિક્ષણ અને સંભાળ સુવિધઆઓ આપતા નર્સરી અને ચાઇલ્ડમાઇન્ડર્સ સહિતના પ્રદાતાઓને પણ આ જ બાબતો લાગુ પડે છે અને તેથી જ તેમને બાળકોને આવકારવા જણાવવામાં આવ્યું છે.

યર 6ના વિદ્યાર્થીઓ કે જેઓ તેમના શિક્ષણના એક ખૂબ જ અગત્યના સ્તર પર આવીને ઉભા છે અને પોતાની જાતે જ કુશળતાપૂર્વક લખવા વાંચવાનુ શિખી રહ્યા હોવાથી તેમને માટે શાળઆઓ ખોલવામાં આવી છે. યર 6ના બાળકો સેકન્ડરી સ્કૂલમાં જવાની તૈયારી કરી રહ્યા છે અને તેઓ શિક્ષકો અને મિત્રો સાથે જે સમય પસાર કરશે તેનાથી તેમને તૈયાર થવામાં મોટો લાભ મળશે અને તેમના જીવનમાં એક મોટું પગલું સાબીત થશે.

તો બીજી તરફ જે વિદ્યાર્થીઓ સેકન્ડરી સ્કૂલ, સિક્સ્થ ફોર્મ અને કોલેજમાં ભણે છે તેવા યર 10 અને યર 12ના વિદ્યાર્થીઓને ઘરે રહીને ભણવામાં મદદ મળી શકે તે માટે તેઓને શાળામાં રૂબરૂ ભણાવવામાં આવશે. જેથી તેઓ આવતા વર્ષે તેમની ખૂબ જ મહત્વની A લેવલ અને GCSEની પરિક્ષાઓ આપી શકે.

A teacher talks to a child at Watlington Primary School as some schools re-open, following the outbreak of the coronavirus disease (COVID-19), Watlington, Britain, June 1, 2020. REUTERS/Eddie Keogh

શાળા સંચાલકો એ સુનિશ્ચિત કરવા માગે છે કે જે કોઈપણ બાળકો શાળાએ પાછા ફરે છે તેમને સુરક્ષિત રાખવામાં આવે માટે જ યર 1, યર 6, યર 10 અને યર 12થી શાળાઓનો તબક્કાવાર પ્રારંભ સાથે કરવામાં આવશે.

બાળકોને સુરક્ષિત રાખવા માટેના પગલાં

શાળાઓમાં બાળકો શિક્ષણ લેતી વખતે સુરક્ષિત રહી શકે તે માટે ડિપાર્ટમેન્ટ ફોર એજ્યુકેશનના માર્ગદર્શન મુજબ શાળામાં વર્ગનુ કદ નાનુ રાખવામાં આવશે અને બાળકોનો જુદા જુદા ગૃપ સાથેનો સંપર્ક નિયંત્રીત કરવામાં આવશે તેમજ સારી સ્વચ્છતા જાળવવા જેવા અન્ય પગલાં લેવામાં આવશે.

એવી પણ ભલામણ કરવામાં આવી છે કે દરેક વર્ગોમાં જૂથ દીઠ 15 કરતાં ઓછા વિદ્યાર્થીઓને જ સમાવવામાં આવશે. જો કે તેનો આધાર ભણાવવાની જગ્યાના કદ અને પ્રકાર મુજબ રહેશે.

શાળાઓમાં બાળકોને લંચ ટાઇમ, તેમને લેવા મૂકવાના સમયમાં ફેરફાર કરીને તેમજ જમતા પહેલા તેમના હાથને સારી રીતે ધોવા, લંચ અને બ્રેક ટાઇમમાં નાના જૂથોમાં રહેવા બાળકોને પ્રોત્સાહન આપી બાળકોને સુરક્ષિત રાખવામાં આવશે.

વિદ્યાર્થીઓને સુરક્ષિત શિક્ષણ આપવા તૈયાર: બોનેવિલ પ્રાયમરી સ્કૂલ

કોરોનાવાયરસને પગલે લદાયેલા આકરા લોકડાઉન દરમિયાન નબળા લોકો અને કી-વકર્સના બાળકો માટે ખુલ્લી રાખવામાં આવેલી શાળાઓ હવે વધુ વિદ્યાર્થીઓને આવકારવા તૈયાર થઇ છે. પડકારજનક તૈયારી બતાવનાર સાઉથ લંડનના લેમ્બેથની બોનેવિલ પ્રાયમરી સ્કૂલે સોમવાર તા. 1 જૂનથી બાળકોને આવકારવાનું શરૂ કરી દીધું છે. જ્યાં રીસેપ્શન, યર 1 અને યર 6ના વિદ્યાર્થીઓને ભણાવવા માટે સરળ અને સલામત રીતે ચેપ ન લાગે તે માટે દરેક પ્રયત્નો કરવામાં આવ્યા છે.

બોનેવિલ, જેસોપ અને સ્ટોકવેલ પ્રાયમરી શાળાના હેડટીચર એન્ડ્રીઆ પાર્કર કહે છે કે, ‘’બાળકોને શાળાએ પાછા લાવવા એ ખૂબ મહત્વનું છે. શાળામાં અપાતા સ્ટ્રક્ચર્ડ શિક્ષણનો ઉકેલ હોમસ્કૂલિંગ નથી. યર 6ના જુના વિદ્યાર્થીઓનુ મિત્રોને મળવા અને માધ્યમિક શાળામાં જવા માટે શાળામાં આવવું મહત્વપૂર્ણ છે. અમારી પાસે સ્થાનિક સમુદાયને પ્રતિબિંબિત કરતા વિવિધ પૃષ્ઠભૂમિનાં બાળકો છે.’’

લોકડાઉન થતાં 420 વિદ્યાર્થીની ક્ષમતા વાળી બોનેવિલ પ્રાઈમરી સ્કૂલ રાતોરાત ‘વર્ચુઅલ સ્કૂલ’માં બદલાઇ ગઇ હતી. પરંતુ લગભગ 25 વિદ્યાર્થીઓ માટે તે ચાલુ રહી હતી અને તેમને સંભાળ, શિક્ષણ અને દૈનિક ભોજન પૂરા પાડી કેટલાક પરિવારો માટે તે જીવનરેખા બની હતી.

એન્ડ્રીઆ પાર્કર કહે છે કે, ‘’અમારી પાસે BAME બેકગ્રાઉન્ડના કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ વિશાળ પ્રમાણમાં છે. તેમની વય, હાલની આરોગ્ય સમસ્યાઓ અને તેમની સાથે રહેતા લોકો જેવા વિવિધ પરિબળોને જોઇને અમે વિશેષ જોખમનુ વિષ્લેષણ કરી રહ્યા છીએ જેથી યોગ્ય સંભાળ રાખી શકાય. સાત અઠવાડિયાથી અમે માત્ર 10 બાળકો સુધીના જૂથો માટે ઓછા સંસાધનો અને વધુ આઉટડોર શિક્ષણનો ઉપયોગ કર્યો છે. હવે સલામતીનાં પગલાં વધારવા માટે એક નવી ‘બબલ’ સિસ્ટમ વિકસાવી છે.

એન્ડ્રીઆ સમજાવે છે કે ‘કોણ કોના સંપર્કમાં છે તે સ્પષ્ટ થઈ જતા જો કોઈ બાળકને કોવિડ-19ના લક્ષણો જણાશે તો અમે તે બાળક, શિક્ષક અને તેની નજીકના બાળકોના બબલ માટે અસરકારક રીતે કાર્ય કરી શકીશું. દરેક યરના બાળકોને મહત્તમ 15ના ગૃપમાં ત્રણ બબલમાં વહેંચી તેમનો શાળામાં આવવા-જવાનો સમય જુદો રખાશે. તે દરેક બબલ વચ્ચે 10 મિનિટનું અંતર રહેશે. માતા-પિતાને સુરક્ષિત અંતરે રાખવા શાળાના દરવાજાની આસપાસ બે-મીટરની બાઉન્ડ્રી તથા દરેક યરના બાળકોના ક્લાસ સુધીનો રૂટ દોરાશે. ક્લાસમાં પણ સ્પ્રેડ લેઆઉટ રખાશે અને દરેક બાળક આખો દિવસ પોતાનું ડેસ્ક અને ખુરશી વાપરશે. શાળાનું સોફ્ટ ફર્નીશીંગ્સ દૂર કરી હેન્ડલ્સને સ્પર્શ ન કરવો પડે માટે દરવાજા ખુલ્લા રખાશે.’

એન્ડ્રીઆએ જણાવ્યું હતું કે ‘’લંચ અને બ્રેક ટાઇમ્સ પણ થોડા અલગ રહેશે અને ભોજન ક્લાસરૂમમાં જ અપાશે, જ્યારે પ્લેટાઇમ્સ માટે ખુલ્લામાં લઇ જવાશે. નાના બાળકો માટે રીસેષ અને પી.ઈ. લેસન્સ માટે બહારની જગ્યા વધારવા માંગીએ છીએ. હોકી સ્ટીક્સ અને ટેનિસ રેકેટ એક જૂથ વાપરી લે પછી નિયમિત સાફ કરાશે. સરકારી માર્ગદર્શિકા મુજબ દરેક સેશન્સ પછી બાળકો સાબુથી હાથ ધોશે અને દરેક ક્લાસની બહાર હેન્ડ સેનિટાઇઝર રખાશે તેમ જ ડેસ્ક સાફ કરવા વધારાની ક્લીનીંગ સામગ્રી રખાશે. શુક્રવારે શિક્ષકોને તૈયારી કરવા અને વધારાની સફાઇ કરવા શાળા વહેલા બંધ કરીશું.’

જેસોપ અને સ્ટોકવેલની સાઉથ લંડનની અન્ય શાળાઓમાં આજ સિસ્ટમ્સ જાળવવામાં આવશે. એન્ડ્રીયાની ખુદની છ વર્ષની પુત્રી બોનેવિલમાં ભણે છે જેથી સુરક્ષા માટે લેવાતા પગલા અંગે અન્ય માતા-પિતાને આશ્વાસન મળે. એન્ડ્રીઆ કહે છે કે દરેક શાળાના વડાની જેમ, બાળકોની સલામતી પણ મારી પ્રાથમિકતા છે, અને હું મારી પુત્રી તેમજ શાળાના દરેક બાળક માટે ઉચ્ચસ્તરીય સુરક્ષાની અપેક્ષા કરું છું. એક પરિવાર જેવા શાળા સમુદાયના રક્ષણ માટે પૂર્ણ પ્રયાસ કરીશું. દરેક પગલાંઓની અઠવાડિક સમીક્ષા કરવામાં આવશે અને ઉભી થતી દરેક જરૂરિયાતનો સક્રિયપણે જવાબ આપવા અમે સખત મહેનત કરીશું.’

‘તમારા વિસ્તારમાં શાળાઓના પ્રારંભ અંગેના તાજા સમાચાર માટે તમારી લોકલ ઓથોરિટી સાથે તપાસ કરો’

કૃપા કરીને શિક્ષણ અને બાળ સંભાળ સેટિંગ્સના રક્ષણાત્મક પગલાંના માર્ગદર્શન માટેના સંદર્ભ માટે જુઓ…https://www.gov.uk/government/publications/coronavirus-covid-19-implementing-protective-measures-in-education-and-childcare-settings/coronavirus-covid-19-implementing-protective-measures-in-education-and-childcare-settings