(Photo by Oli Scarff/Getty Images)

બેરોજગારી ભથ્થુ લેનારા લોકોની સંખ્યામાં લોકડાઉન પછી 856,500 લોકોનો ઉમેરો થયા બાદ ભથ્થુ લેનારા લોકોની સંખ્યા 2.1 મિલિયન થઇ છે. બેકાર થનાર લોકોની સંખ્યા જાન્યુઆરીથી માર્ચ સુધીમાં 50,000 જેટલી વધી છે જે કુલ 1,35 મિલીયન છે. એપ્રિલમાં જેમને પગાર મળ્યો છે તેવા કર્મચારીઓની સંખ્યા માર્ચની સરખામણીએ 1.6 ટકા ઘટી છે. રિઝોલ્યુશન ફાઉન્ડેશનના નવા અહેવાલ મુજબ યુવાનોને પગારમાં કાપનો સામનો કરવો પડ્યો છે તો બીજી તરફ વૃદ્ધ કામદારોને અનૈચ્છિક નિવૃત્ત થવાનું જોખમ ઉભુ થયુ હોવાની ચેતવણી આપવામાં આવી છે. જો સરકારની ફર્લો યોજના ન હોત તો કરોડો લોકો બેકાર બન્યા હોત.

ઑફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સએ જણાવ્યું હતું કે યુનિવર્સલ ક્રેડિટ હેઠળના બેરોજગારી દાવામાં એપ્રિલ માસમાં 69 ટકાનો વધારો થયો હતો. ચાન્સેલર ઋષિ સુનકની જોબ રીટેન્શન સ્કીમ – ફર્લો યોજના હેઠળ હાલમાં 7.5 મિલીયન લોકો લાભ લઇ રહ્યા છે. એમ્પ્લોયરો આ કટોકટી દરમિયાન પોતાના સ્ટાફને જાળવી શકે તે માટે મદદ કરવા માટે રચાયેલ આ યોજના ન હોત તો વર્ક બેનીફીટ્સ ક્લેઇમની સંખ્યા કેટલે પહોંચી હોત? ગયા અઠવાડિયે અર્થતંત્રમાં 2 ટકાનો ઘટાડો થવાની ભયાનક આગાહી કરાઇ હતી. ગયા રવિવારે વડા પ્રધાને અર્થવ્યવસ્થાને કિકસ્ટાર્ટ કરવા લોકડાઉન પ્રતિબંધો હળવા કર્યા પછી હજારો લોકોએ કામ પર પાછા ફરવાનું શરૂ કર્યું છે.

ઓએનએસના ઇકોનોમિક સ્ટેટેસ્ટીક્સના ડેપ્યુટી નેશનલ સ્ટેટેસ્ટીશીયન્સ જોનાથન એથોએ જણાવ્યું હતું કે ‘’કોવિડ-19ની લેબર માર્કેટ પર મોટી અસર પડી છે. માર્ચમાં રોજગારની સ્થિતી સારી હતી પરંતુ ફર્લો યોજના પછી માર્ચના અંત ભાગમાં ખાસ કરીને હોસ્પિટાલીટી અને બાંધકામ જેવા ક્ષેત્રોમાં કલાકોમાં જ ઝડપથી ઘટાડો થયો હતો.

રિઝોલ્યુશન ફાઉન્ડેશનના થિંક-ટેંકના નવા અધ્યયન મુજબ કોરોનાવાયરસ કટોકટીને કારણે વેતન ઘટાડા અને નોકરીના નુકસાનથી નાના અને વૃદ્ધાવસ્થાને આરે આવેલા કામદારોની આવક કાયમી ધોરણે ઘટી શકે છે. કેટલાક વૃદ્ધ કામદારો તેમની પેન્શનની વય પહેલા અનૈચ્છિક નિવૃત્ત થવાના જોખમનો સામનો કરી રહ્યા છે એમ સંશોધન સૂચવે છે.

18થી 24 વર્ષની વયના દર ત્રણમાંથી એક યુવાન અને 60ના દાયકાના દર 10માંથી ત્રણ કામદારોને વર્ષના પ્રારંભમાં મળતા પગાર કરતાં હાલ ઓછો પગાર મળી રહ્યો છે. 35થી 49 વર્ષની વયના કામદારોમા  આ દર ચોથા ભાગ કરતા ઓછો છે. હેલ્થ ફાઉન્ડેશનના સહયોગથી તા. 6થી 11 મેની વચ્ચે યુકેના પુખ્ત વયના 6,000થી વધુ લોકોના સર્વેના આધારે આ અહેવાલ લખવામાં આવ્યો હતો. તમામ વય જૂથોના કર્મચારીઓ જાન્યુઆરીમાં તેમની કમાણી હતી તેના કરતા ઓછી આવક મેળવે તેવી સંભાવના છે.

18થી 24 વર્ષની વયના લોકોમાં 35 ટકા લોકો પહેલાંની સરખામણીએ ઓછી આવક અને 13 ટકા લોકો વધુ કમાણી કરી રહ્યા છે. જ્યારે 60ના દાયકાના કર્મચારીઓ પૈકી 30 ટકા લોકો ઓછો પગાર અને 9 ટકા લોકોને વધુ પગાર મળે તેવી સંભાવના છે. તેનાથી વિપરીત, 35થી 49 વર્ષના 23 ટકા લોકોની આવક 23 ટકા ઓછી થઇ છે જ્યારે પાંચ ટકા લોકોની કમાણી વધી છે. ફાઉન્ડેશને જણાવ્યું હતું કે જો જોબ રીટેન્શન સ્કીમ ન હોત તો કટોકટી વધુ ઘેરી બનત અને પગારમાં ઘટાડો કરવામાં આવ્યો હોત.